અમે નાગરિકતા બિલ લઈને આવ્યા તો કૉન્ગ્રેસના પેટમાં દુખ્યું: અમિત શાહ

15 December, 2019 11:21 AM IST  |  Ranchi

અમે નાગરિકતા બિલ લઈને આવ્યા તો કૉન્ગ્રેસના પેટમાં દુખ્યું: અમિત શાહ

બીજેપીના અધ્યક્ષ અમિત શાહે શનિવારે ઝારખંડના ગિરિદીહમાં ચૂંટણી રૅલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમે હજુ નાગરિકતા સંશોધન બિલ લઈને આવ્યા તો કૉન્ગ્રેસના પેટમાં દુખાવો થઈ ગયો. કૉન્ગ્રેસ તેને મુસ્લિમ વિરોધી કહી રહી છે. આ બિલ મુસ્લિમ વિરોધી નથી. શાહે કહ્યું કે ઝામુમોના હેમંત સોરેન મુખ્ય પ્રધાન બનવા માટે જેના ખોળામાં બેઠા છે તે જ કૉન્ગ્રેસે અલગ ઝારખંડ રાજ્યના આંદોલનકર્તાઓ પર ગોળીઓ ચલાવી હતી.

તેમણે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ પર નિર્ણય થઈ ગયો છે. કૉન્ગ્રેસે વર્ષો સુધી આ મામલાને લટકાવીને રાખ્યો. હવે અયોધ્યામાં આકાશ આંબતું ભવ્ય રામમંદિર ટૂંક સમયમાં બનવાનું છે. વિપક્ષી પાર્ટીઓ પૂર્વોત્તરમાં આગ લગાવવામાં પડ્યા છે. હું આસામ અને નોર્થ ઈસ્ટના દરેક રાજ્યોને કહેવા માગું છું કે તેમની ભાષા, સંસ્કૃતિ, સામાજિક ઓળખ અને તેમના રાજકીય અધિકાર ખતમ નહીં થાય. અમે તેમના પર જરાય આંચ નહીં આવવા દઈએ.
કાલે મેઘાલયના મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાન મળવા માટે આવ્યા હતા. તેમણે અમુક સમસ્યાઓ જણાવી. મેં આશ્વાસન આપ્યું કે તેમાં સકારાત્મક રીતે વિચારીને મેઘાલયની સમસ્યાનું આપણે સમાધાન શોધીશું. કૉન્ગ્રેસ વર્ષોથી હિન્દુ-મુસલમાનનું રાજકારણ, નક્સલવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપતી આવી છે. આતંકવાદને મોદીજી જેવા પ્રધાન કડકાઈથી રોકે છે તો તેમાં પણ તેમને તૃષ્ટિકરણ અને વોટ બૅન્કનું રાજકારણ દેખાય છે.’
‘અમે ટ્રિપલ તલાકનો કાયદો લઈને આવ્યા તો કૉન્ગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું. અમે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ હટાવી તો કૉન્ગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું. અને નાગરિકતા બિલ લઈને આવ્યા તો હવે તેને પણ મુસ્લિમ વિરોધી કહી રહ્યા છે. હેમંત સોરેન અને રાહુલનું ભાષણ સાંભળ્યું. તેઓ કહે છે કે ઝારખંડની જનતાને જમ્મુ-કાશ્મીરથી શું લેવાદેવા? રાહુલબાબા તમને દેશનો ઇતિહાસ ખબર નથી. તમારા ચહેરા પર ઇટાલિયન ચશ્માં લાગેલા છે.’

ranchi national news amit shah