કૃષિ કાયદાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે : યુએસ

05 February, 2021 10:35 AM IST  |  Washingto | Agency

કૃષિ કાયદાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે : યુએસ

ખેડૂતોને દિલ્હી સુધી આવતા રોકવા માટે ગાઝીપુર બોર્ડર પર લગાવવામાં આવેલા ખીલાઓને હટાવતો કર્મચારી. તસવીર : પી.ટી.આઈ.

મોદી સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ભારતમાં સડકથી સંસદ સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમ્યાન અમેરિકાએ કૃષિ કાયદાઓને લઈને ભારતને સમર્થન આપ્યું છે. બાઇડન શાસને કહ્યું હતું કે તે મોદી સરકારના આ કદમનું સ્વાગત કરે છે. આનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે અને ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષિત કરશે. આ સાથે અમેરિકાએ પણ સ્વીકાર્યું કે કૃષિ કાયદાઓ પર શાંતિપૂર્ણ વિરોધ એક સંપન્ન લોકતંત્રનું ઉદાહરણ છે. નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપતા અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું હતું કે બાઇડન સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ભારત સરકારના કદમનું સમર્થન કરે છે, જે ખેડૂતો માટે ખાનગી રોકાણ અને વધુ બજાર પહોંચને આકર્ષિત કરે છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે સામાન્ય રીતે અમેરિકા એવા કદમોનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોની દક્ષતામાં સુધારો કરશે અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરશે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ગત ૨૬ નવેમ્બરથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રૅલી દરમ્યાન દિલ્હીમાં હિંસા પણ થઈ હતી.

અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, અમારું માનવું છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કોઈ પણ સંપન્ન લોકતંત્રની ઓળખ છે અને ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ જ કહ્યું છે. પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા, ભારતની અંદર વાતચીતના માધ્યમથી પાર્ટીઓની વચ્ચે કોઈ પણ મતભેદને ઉકેલવાની તરફેણમાં છે. સામાન્ય રીતે અમેરિકા ભારતીય બજારોની કાર્યકુશળતાને સુધારવા અને મોટાપાયે ખાનગી સેક્ટરના રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવાયેલા કદમોનું સ્વાગત કરે છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષએ ભારતના નવા કૃષિ કાયદાઓને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે એક મહત્ત્વનું કદમ ગણાવ્યા હતા. આઇએમએફના કમ્યુનિકેશન ડિરેક્ટર ગેરી રાઈસે કહ્યું હતું, અમે માનીએ છીએ કે ભારતમાં કૃષિ સુધારા માટે કૃષિ બિલ એક અગત્યના કદમનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપાય ખેડૂતોને વિક્રેતાઓ સાથે સીધા કરાર કરવામાં સક્ષમ બનાવશે, જેનાથી ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકા ઘટાડવામાં સરળતા મળશે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં નવા કૃષિ કાયદાઓને લઈને મોટાપાયે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

national news united states of america washington narendra modi new delhi