આજે ૧૨ કલાકમાં ૧૧ રાજ્યોમાં તોફાની વરસાદ થવાની ચેતવણી

08 April, 2026 11:27 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

મંગળવારે રાજસ્થાનમાં કરા પડ્યા, હિમાચલમાં ભૂસ્ખલન થતાં પુલ નદીમાં પડ્યો, ઉત્તર પ્રદેશમાં ભારે આંધી

માવઠાએ ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો હતો અને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ઊંઝા, પાટણ, સમી, હારીજ પંથકમાં ભારે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો

ગઈ કાલે ભારતનાં ૨૦ રાજ્યોમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તર પ્રદેશમાં ભરબપોરે ભારે વરસાદ અને આંધી આવ્યાં હતાં. મથુરામાં આવેલી આંધીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં ટેન્ટ ઊડી ગયા હતા. રાજસ્થાનમાં જયપુર, બિકાનેર અને ટોંકના રણવિસ્તારોમાં કરાવૃષ્ટિ થઈ હતી. મધ્ય પ્રદેશમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને હજી આવતી કાલ સુધી તોફાની વરસાદની આગાહી છે. 

હિમાચલ પ્રદેશના ચંબામાં મંગળવારે સવારે વરસાદને કારણે લૅન્ડસ્લાઇડ થતાં એક નિર્માણાધીન બ્રિજ તૂટીને પાણીમાં વહી ગયો હતો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને ચમોલીમાં મંગળવારે ભરશિયાળા જેવી બરફવર્ષા થઈ હતી. દિલ્હીમાં પણ વરસાદે વાતાવરણ ઠંડું કરી નાખ્યું હતું. જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર એમ ૧૧ રાજ્યોમાં આજે પણ વરસાદી તોફાન ચાલુ રહેશે એવી ભારતીય હવામાન ખાતાએ જાહેરાત કરી હતી.   

હવે ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો કમોસમી માવઠાએ 

ઉનાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ વરસાદ ગુજરાતનો જાણે કે પીછો છોડી નથી રહ્યો. ગઈ કાલે ભારે પવન અને ક્યાંક ધોધમાર તો ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ પડતાં ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અષાઢી માહોલ છવાઈ ગયો હતો. માવઠાએ ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો હતો અને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ઊંઝા, પાટણ, સમી, હારીજ પંથકમાં ભારે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૩૭ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળ્યું હતું. વરસાદના પગલે ઘઉં, એરંડા, વરિયાણી, તમાકુ સહિતના પાકોને નુકસાન થયું છે. વરસાદના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે હરાજી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.

national news india Weather Update uttar pradesh indian meteorological department Gujarat Rains