આતંકવાદને અમેરિકાની સ્ટાઇલથી ખતમ કરી શકાય: બિપિન રાવત

17 January, 2020 12:38 PM IST  |  New Delhi

આતંકવાદને અમેરિકાની સ્ટાઇલથી ખતમ કરી શકાય: બિપિન રાવત

બિપિન રાવત.

દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે ભારતમાંથી આતંકવાદને નાબૂદ કરવા અમેરિકાની નીતિઓ અપનાવવા હિમાયત કરી છે. તેમનું માનવું છે કે ૯/૧૧ના આતંકી હુમલા બાદ અમેરિકાએ જે નીતિઓ અપનાવીને અમેરિકાને સુરક્ષિત બનાવ્યું એવું જ ભારતે પણ આંતકવાદના મામલે કરવું પડશે. તેઓ અત્રે આયોજિત રાયસીના ડાયલોગ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ રાવતે દેશને યાદ અપાવ્યું કે આતંકવાદ વિરુદ્ધનું યુદ્ધ હજી પૂરું થયું નથી. જ્યાં સુધી તેના જડ સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી આપણે તેને ત્યાં સુધી ચાલુ રાખવું પડશે. આપણે આતંકવાદને ખતમ કરવા માટે એ રીતે પ્રયત્ન કરવા પડશે, જે રીતે અમેરિકાએ ૯/૧૧ની ઘટના બાદ કર્યા હતા. આપણે બધાએ તેની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ શરૂ કરવું પડશે. આતંકવાદીઓને અલગ કરવા પડશે. જે દેશ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે, તેને પણ સબક શીખવાડવો પડશે. આતંકવાદના ખાતમાની સાથે જ આતંકવાદીઓની સાથે એવા લોકોને પણ અલગ કરવાની જરૂર છે જે આતંકવાદને ફન્ડિંગ કરે છે અથવા તેમનો બચાવ કરે છે. તેમને પણ સજા આપવી પડશે.

પાકિસ્તાનનું નામ લીધા વગર રાવતે કહ્યું કે આતંકી પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચલાવવામાં આવી રહી છે અને કોઈ ખાસ દેશ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તે આતંકીઓનો યુદ્ધ માટે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હથિયાર અને ધન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ કારણે ભારત આતંકવાદ પર કાબૂ મેળવવામાં સફળ થઈ રહ્યું નથી, આપણે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે.

તેમણે એ પણ કહ્યું કે મને લાગે છે કે એવા દેશને ફાઇનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે તે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે અને સાથે જ તેમને સ્ટ્રેટેજીથી વેરવેખર કરવા પણ જરૂરી છે. એફએટીએફએ પાકિસ્તાનને ગત વર્ષે આતંકીઓ પર ઉચિત કાર્યવાહી ન કરવાના કારણે ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. જો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો તેને વિશ્વ બૅન્ક સહિત અન્ય દેશોમાંથી પણ નાણાકીય મદદ મળી શકશે નહીં.

પોતાને મળેલા નવા પદ-સીડીએસ અને નવી જવાબદારી અંગે રાવતે કહ્યું હતું કે સીડીએસએ એક એવું પદ છે જે ત્રણે સેનાપ્રમુખોની સમકક્ષ બરાબર તો છે, પરંતુ તેમની જવાબદારીઓ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે નિર્ધારીત છે.

national news terror attack