મહારાષ્ટ્રમાં શા માટે ભીખ માગો છો? : રાહુલ ગાંધી

15 November, 2011 08:11 AM IST  | 

મહારાષ્ટ્રમાં શા માટે ભીખ માગો છો? : રાહુલ ગાંધી



નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પરપ્રાન્તીયો વિશેની કૉન્ગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની કૉમેન્ટથી મોટો વિવાદ ઊભો થયો છે. રાહુલે યુપીમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરતાં કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના લોકો જ્યાં-જ્યાં રોજગાર મેળવવા જાય છે ત્યાં પોતાની સખત મહેનત માટે વખણાય છે. તમે ક્યાં સુધી મહારાષ્ટ્રમાં ભીખ (કામ માટે) માગશો તમે ક્યાં સુધી પંજાબમાં મજૂર તરીકે કામ કરશો?

બીજેપીએ કહ્યું હતું કે રાહુલે આ કૉમેન્ટ કરીને ઉત્તર પ્રદેશના લોકોનું અપમાન કર્યું છે. કૉન્ગ્રેસે કહ્યું હતું કે રાહુલના ઉદયથી બીજા પક્ષો ગભરાઈ ગયા છે.

કૉન્ગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ જવાહરલાલ નેહરુના જન્મદિને જવાહરલાલ નેહરુના મતદારક્ષેત્રમાં ગાંધીટોપી પહેરીને એક મોટી રૅલીને સંબોધી હતી અને ૨૦૧૨માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના પક્ષના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જોકે રાહુલે થોડા સમય માટે ગાંધીટોપી પહેરી રાખી હતી. જોકે તેમણે સલામ કર્યા બાદ ટોપી કાઢી નાખી હતી. આ સ્થળે લગાડેલાં પોસ્ટર પણ ધ્યાન ખેંચે એવાં હતાં. આ પોસ્ટરમાં રાહુલ અને જવાહરલાલ નેહરુની મોટી તસવીરો હતી, જ્યારે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીનો અતિશય નાનો ફોટો હતો. રાહુલે રાજ્યની માયાવતી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘હિન્દુસ્તાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ હજી પાછળ છે. આ રાજ્યમાં માફિયાનું રાજ છે. આ રાજ્યની સરકારે ખેડૂતોના કેન્દ્રીય ફન્ડનો દુરુપયોગ કર્યો છે. આ સરકાર ભટ્ટા પારસૌલમાં ખેડૂતો પર પોલીસે કરેલા અત્યાચાર રોકવામાં નિષ્ફળ ગઈ છે. હું જ્યારે કિસાનો અને બીજા લોકોને મળું છું ત્યારે મને તેમનાં દુ:ખદર્દ જોઈને ગુસ્સો આવી જાય છે.’

સમાજવાદી પાર્ટીના ૧૨ કાર્યકરોની અલાહાબાદના પ્રયાગ રેલવે-સ્ટેશને રાહુલ ગાંધીની નનામી બાળવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીનો એક કાર્યકર્તા રાહુલના હેલિકૉપ્ટરની નજીક પહોંચી જતાં કૉન્ગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ તેની બૂરી રીતે મારપીટ કરી હતી. વિરોધ પક્ષોએ આ મારપીટનો વિરોધ કર્યો હતો.

ઉત્તર પ્રદેશ પછાત હોવાનું કારણ નેહરુ-ગાંધી ફૅમિલી : રાજ ઠાકરે

ઉત્તર પ્રદેશના લોકો ક્યાં સુધી કામ માટે મહારાષ્ટ્રમાં ભીખ માગતા રહેશે એવું ઉત્તર પ્રદેશના ફુલપુરમાં એક સભામાં કૉન્ગ્રેસના જનલર સેક્રેટરી રાહુલ ગાંધીએ કહ્યા બાદ મહારાષ્ટ્ર નવનર્મિાણ સેનાના ચીફ રાજ ઠાકરેએ વળતો પ્રહાર કર્યો હતો. રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશનો વિકાસ ન થયો હોવા પાછળ નેહરુ-ગાંધી ફૅમિલી જવાબદાર છે. ઇતિહાસની ખબર ન હોવાનું મહેણું મારીને રાજ ઠાકરેએ કૉન્ગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નેહરુ-ગાંધી ફૅમિલીના લોકો ઉત્તર પ્રદેશથી ચૂંટાઈ આવ્યા હતા, પણ તેમણે ત્યાં વિકાસ માટે કંઈ કામ કર્યું નથી. ઉત્તર પ્રદેશમાંથી અનેક વાર જીત્યા હોવા છતાંય ફક્ત પાવર હોવાની મજા તેમણે વર્ષો સુધી માણી હતી. ઉત્તર પ્રદેશનો વિકાસ ન થયો હોવાથી ત્યાંના લોકોએ બીજાં રાજ્યોમાં જવું પડતું હોય છે. આ માટે નેહરુ-ગાંધી ફૅમિલીના લોકો જવાબદાર છે. ઉત્તર પ્રદેશના લોકોને ખબર હોવી જોઈએ કે તેમણે કોને કારણે ભીખ માગવી પડે છે.’