ભારતમાં ‘વૉર લૉકડાઉન’ના નામે વાયરલ થયેલા સરકારી કાગળનું સત્ય ચોંકાવી દેશે 

01 April, 2026 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર (X) પર એક સત્તાવાર દેખાતો દસ્તાવેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર દેશમાં ‘વૉર લૉકડાઉન’ (War Lockdown) લાદવા જઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર - એઆઈ

કોરોનાકાળના લૉકડાઉનની યાદો હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી, ત્યાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર ‘લૉકડાઉન’શબ્દએ તરખાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર (X) પર એક સત્તાવાર દેખાતો દસ્તાવેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર દેશમાં ‘વૉર લૉકડાઉન’ (War Lockdown) લાદવા જઈ રહી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ લોકોમાં ગભરાટ અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ શું ખરેખર દેશમાં આવી કોઈ સ્થિતિ છે? ચાલો જાણીએ આ વાયરલ પત્રનું એ ટુ ઝેડ સત્ય.

શું છે વાયરલ નોટિસમાં?


વાયરલ થઈ રહેલા આ કથિત સરકારી પત્રમાં ભારત સરકારના સત્તાવાર લોગો અને ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સીમા પર વધતા તણાવ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી ‘વૉર લૉકડાઉન’ લાગુ કરવામાં આવે છે. આ નોટિસમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા, રાત્રિ કર્ફ્યુ અને મુસાફરી પર કડક પ્રતિબંધોની વિગતો પણ આપવામાં આવી છે. સામાન્ય નાગરિકો આ જોતા જ તેને સાચું માનીને ગભરાઈ રહ્યા છે.

તપાસમાં છતું થયું ચોંકાવનારું સત્ય


જ્યારે આ વાયરલ પત્રની ગંભીરતાથી તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ કોઈ સરકારી આદેશ નથી, પરંતુ તદ્દન નકલી અને બનાવટી (Fake) દસ્તાવેજ છે. ભારત સરકારના કોઈપણ મંત્રાલય કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.  પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ સ્પષ્ટતા કરી છે કે આ નોટિસ ફેબ્રિકેટેડ છે. કેટલાક અસામાજિક તત્વોએ એડિટિંગ સોફ્ટવેરની મદદથી જૂની નોટિસોના ફોર્મેટનો ઉપયોગ કરીને આ નકલી પત્ર તૈયાર કર્યો છે, જેથી સોશિયલ મીડિયા પર સનસનાટી ફેલાવી શકાય અને લોકોમાં ભય પેદા કરી શકાય.

શા માટે આવી અફવાઓ ફેલાય છે?


ડિજિટલ યુગમાં ‘ક્લિકબેટ’ અને અરાજકતા ફેલાવવાના ઈરાદે આવા ફેક ન્યૂઝ વારંવાર સામે આવે છે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવની ચર્ચાઓ ચાલતી હોય, ત્યારે લોકો આવા સમાચારો પર જલ્દી વિશ્વાસ કરી લેતા હોય છે. આ પત્રમાં ‘વૉર’ (યુદ્ધ) શબ્દનો ઉપયોગ જ વાચકોના મનમાં ડર પેદા કરવા માટે કરવામાં આવ્યો છે. અધુરામાં પુરું આજે 1લી એપ્રિલ હોવાને કારણે પણ લોકો આ આખી બાબતનો ઉપયોગ કરી મજાક કરી રહ્યા છે પણ કોઈને આઘાત આપે કે ચિંતા કરાવે એવી મજાક કરવું પણ યોગ્ય કે જવાબદાર વર્તન નથી. કેન્દ્ર સરકારે ચોખવટ કરવી પડે એવી મજાક અત્યારના તંગ સંજોગોમાં કરવી ઠીક ન કહેવાય.


આટલી સાવચેતી જરૂરી


1. તપાસ્યા વગર ફોરવર્ડ ન કરો: કોઈપણ ગંભીર સમાચાર આવે ત્યારે સૌથી પહેલા સત્તાવાર સરકારી હેન્ડલ્સ અથવા પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ્સ પર તેની ખરાઈ કરો.
2. જાગૃતિ ફેલાવો: જો તમારા ગ્રુપમાં કોઈ આ મેસેજ શેર કરે, તો તેને તરત જ જણાવો કે આ સમાચાર ખોટા છે.
3. અફવાખોરોથી સાવધાન: યાદ રાખો કે ખોટી અફવાઓ ફેલાવવી એ આઈટી એક્ટ હેઠળ ગુનો છે, જેમાં જેલની સજા પણ થઈ શકે છે.ટ

ટૂંકમાં ભારતમાં કોઈ ‘વૉર લૉકડાઉન’ લાગુ થવાનું નથી. સરકાર દ્વારા આવી કોઈ જ હિલચાલ નથી. આથી ગભરાવાની જરૂર નથી, બસ સતર્ક રહેવાની અને અફવાઓથી દૂર રહેવાની જરૂર છે.

viral post indian government new delhi ministry of information and broadcasting whatsapp national news lockdown