CMની શપથવિધિ વાનખેડેમાં રાખવાની BJPની ઇચ્છા પૂરી નહીં થાય

26 October, 2014 04:58 AM IST  | 

CMની શપથવિધિ વાનખેડેમાં રાખવાની BJPની ઇચ્છા પૂરી નહીં થાય




BJPએ મુખ્ય પ્રધાનની શપથવિધિ માટે વાનખેડે સ્ટેડિયમ લગભગ નક્કી જ કરી રાખ્યું હતું, પરંતુ હવે એ શપથવિધિના સ્થળ બાબતે ગડમથલ અનુભવી રહી છે, કારણ કે શપથવિધિ કામકાજના દિવસે થવાની હોવાથી અને BJP ઘણી મોટી મેદનીની હાજરીનો અંદાજ રાખે છે એથી એ દિવસે ટ્રાફિકની સમસ્યા થવાનો ભય છે. પરિણામે બે અન્ય સ્થળો વરલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની અને BKCની શપથવિધિ માટે વિચારણા થઈ રહી છે. ખાસ કરીને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની શક્યતા વધુ છે, કારણ કે ગ્ધ્ઘ્નું મેદાન વિશાળ છે જેથી ટ્રક, કાર અને બસો જેવાં વાહનો એમાં સહેલાઈથી સમાઈ શકે. જોકે BJP જણાવે છે કે તેણે સ્થળ હજી નક્કી નથી કર્યું.

BJPના મુંબઈના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ વાનખેડે સ્ટેડિયમ સિવાયનાં સ્થળોનો શપથવિધિ માટે વિચાર થઈ રહ્યો છે એ બાબતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘વાનખેડે સ્ટેડિયમ સિવાય અન્ય સ્થળોમાં BKC અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે. અમને જાણ છે કે શપથવિધિનો દિવસ કામકાજનો દિવસ હશે. એથી શપથવિધિ તળ મુંબઈમાં રાખતાં સામાન્ય માનવીને મુશ્કેલી થશે. આ સાથે જ તળ મુંબઈમાં પાર્કિંગની સમસ્યા છે. એથી અમે એવું સ્થળ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં તમામ સુવિધાઓ હોય અને સામાન્ય માનવીને તકલીફ ન પડે.’

BJPના વરિષ્ઠ નેતાઓ અને મુંબઈ પોલીસના અધિકારીઓએ પાર્ટીને જણાવી દીધું છે કે તળ મુંબઈમાં ટ્રાફિક જાળવવાની તકલીફ થશે અને જો શક્ય હોય તો અન્ય સ્થળની વ્યવસ્થા કરવી જોકે ટ્રાફિક-કમિશનર બી. કે. ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે પોલીસને શપથવિધિ વાનખેડે સ્ટેડિયમમાં થવાની શક્યતાની જાણ છે અને એ દિવસે ટ્રાફિકનું નિયમન કરવા પોલીસ સક્ષમ છે, પરંતુ અમને BJP તરફથી કે કોઈ અન્ય સત્તાવાળાઓ તરફથી સંદશો મળ્યો નથી.

પટેલ સ્ટેડિયમ પસંદ કરવા પાછળનું કારણ એ છે કે સરદાર પટેલને વડા પ્રધાન મોદી આદર્શ ગણે છે એથી અમે આ સ્ટેડિયમનો વિકલ્પ રાખ્યો છે એમ એક નેતાએ કહ્યું હતું.

BKC મેદાનને પસંદ કરવાનો પણ વિચાર થઈ રહ્યો છે એનું કારણ એ કે પાર્ટી પોતાનું શક્તિ-પ્રદર્શન કરી શકે. BJPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ‘અમે ત્યાં મોટી સંખ્યામાં ટેકેદારો ભેગા કરી શકીએ એમ છીએ. મેદાનમાં જવા પર રોક નહીં હોય તેમ જ ત્યાં ટ્રાફિકની સમસ્યા નહીં હોય. ચૂંટણી બાદ આ મેદાનમાં અમારે સૌથી વધુ જનમેદની ભેગી કરવી છે.’