વૉલ-માર્ટના લૉબીઇંગની તપાસ માટે સરકાર તૈયાર

12 December, 2012 06:27 AM IST  | 

વૉલ-માર્ટના લૉબીઇંગની તપાસ માટે સરકાર તૈયાર



અમેરિકી રીટેલ કંપની વૉલ-માર્ટના લૉબીઇંગને મુદ્દે ગઈ કાલે પણ સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો. બાદમાં વિરોધ પક્ષોને શાંત કરવાના આશયથી સરકારે આ મુદ્દે તપાસની તૈયારી દર્શાવી હતી, જોકે સરકારની આ પહેલ પણ વિપક્ષને શાંત કરી શકી ન હતી. વિપક્ષે જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (જેપીસી) કે જુડિશ્યલ તપાસની માગણી કરીને સંસદનાં બન્ને ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી. વિપક્ષે એવી પણ ડિમાન્ડ કરી હતી કે આ તપાસ માત્ર ૬૦ દિવસમાં જ પૂરી થવી જોઈએ. વૉલ-માર્ટે અમેરિકી સેનેટમાં આપેલા રિપોર્ટમાં ભારતમાં લૉબીઇંગ પાછળ ૧૨૫ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ ખર્ચી હોવાનું જણાવ્યું હતું. આ હકીકત બહાર આવ્યા વિરોધ પક્ષોએ ફરી એક વાર એફડીઆઇનો નિર્ણય રદ કરવા સરકાર પર દબાણ વધાર્યું છે.

રસપ્રદ વાત એ છે કે અગાઉ મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે સરકારને પડખે રહેનાર સમાજવાદી પાર્ટી અને આરજેડી ગઈ કાલે વૉલ-માર્ટના લૉબીઇંગની તપાસની માગણીમાં સૌથી આગળ રહ્યા હતા. આ મુદ્દે બીજેપી સંસદનાં બન્ને ગૃહમાં પ્રશ્નકાળ સ્થગિત કરવાની માગણી કરતાં સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે સરકાર તપાસ માટે તૈયાર હોવાનું કહ્યું હતું. કમલનાથે લોકસભા અને રાજ્યસભા એમ બન્ને ગૃહમાં નિવેદન આપીને કહ્યું હતું કે ‘આ મુદ્દે ચર્ચા કે તપાસથી સરકાર દૂર ભાગી રહી નથી. સરકાર ઇન્ક્વાયરી માટે તૈયાર છે.’

કમલનાથના સ્ટેટમેન્ટ છતાં પણ વિપક્ષનો ગુસ્સો શાંત થયો ન હતો. લોકસભામાં બીજેપી સહતિની પાર્ટીના સભ્યોએ ઉગ્ર નારેબાજી સાથે જેપીસી કે ન્યાયિક તપાસની માગણી ચાલુ રાખીને ગૃહ ચાલવા દીધું ન હતું. બાદમાં સ્પીકર મીરાકુમારને આખા દિવસ માટે ગૃહની બેઠક મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી હતી. બીજેપીના સભ્ય યશવંત સિંહાએ

કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર જેપીસી કે જુડિશ્યલ તપાસનો આદેશ નહીં આપે ત્યાં સુધી ગૃહ ચાલવા દેવામાં આવશે નહીં. બીજેપીએ એમ પણ કહ્યું હતું કે આ તપાસ ૬૦ દિવસમાં પૂરી થવી જોઈએ, જેથી લોકોને સાચી હકીકતની જાણ થાય. બીજેપીની સાથે તૃણમૂલ કૉન્ગ્રેસ અને ડાબેરી પાર્ટીના સભ્યો પણ વિરોધમાં જોડાયા હતા.