વૃંદાવનમાં રાષ્ટ્રપતિની સલામતી માટે ૫૦ કમાન્ડો ઉપરાંત દસ લંગૂર

15 November, 2014 04:22 AM IST  | 

વૃંદાવનમાં રાષ્ટ્રપતિની સલામતી માટે ૫૦ કમાન્ડો ઉપરાંત દસ લંગૂર


રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મથુરાયાત્રામાં સલામતીના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર ચિંતામાં છે. વૃંદાવનમાં વાંદરાઓ સામાન્ય શ્રદ્ધાળુઓની માફક રાષ્ટ્રપતિને પણ હેરાન ન કરે એટલા માટે ૫૦થી વધુ કમાન્ડો ઉપરાંત ૧૦ લંગૂરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કોઈ VVIPની સલામતી માટે લંગૂરની સેવા લેવાનો આ સૌપ્રથમ કિસ્સો છે.

વૃંદાવનના ચંદ્રોદય મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ સમારંભમાં રાષ્ટ્રપતિ ૧૬ નવેમ્બરે હાજરી આપવાના છે. શિલારોપણ વિધિ પછી રાષ્ટ્રપતિ ઠાકુર બાંકે બિહારી મંદિરના દર્શને પણ જશે. બાંકે બિહારી મંદિરના પરિસરમાં મોટા પ્રમાણમાં વાંદરાઓ છે. આ વાંદરાઓ દર્શનાર્થીઓનાં ચશ્માં, કૅમેરા, પર્સ અને ખાવા-પીવાની ચીજો ઝૂંટવીને ભાગી જતા હોય છે. કેટલીક વાર તો આ વાંદરાઓ શ્રદ્ધાળુઓને બટકાં પણ ભરી લે છે.

બાંકે બિહારી મંદિર જવા માટે રાષ્ટ્રપતિએ સ્સ્ત્ભ્ પાર્કિંગ સ્થળથી ૨૦૦ મીટર ચાલીને જવું પડશે. એ વખતે કોઈ વાંદરો રાષ્ટ્રપતિ કે તેમની સાથે આવેલા લોકોનાં ચશ્માં કે કોઈ અન્ય સામાન ઝૂંટવીને ન ભાગે એટલા માટે સલામતી રક્ષકો ઉપરાંત ૧૦ લંગૂરની સેવા લેવાનો ફેંસલો સ્થાનિક વહીવટી તંત્રે કર્યો છે. મંદિરની છત કે મકાન પર બેઠેલા વાંદરાઓ લંગૂરને જોઈને નીચે નથી આવતા એ હકીકતને ધ્યાનમાં લઈને આ નર્ણિય કરવામાં આવ્યો છે.