કચ્છનો વિકાસ થઈ શકે તો કાશ્મીરનો કેમ નહીં?

23 November, 2014 05:49 AM IST  | 

કચ્છનો વિકાસ થઈ શકે તો કાશ્મીરનો કેમ નહીં?




વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નૅશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં શાસન કરી ચૂકેલા અબદુલ્લા અને મુફ્તીપરિવારે રાજ્યને લૂંટ્યું છે. આ બન્ને પરિવારોને સજા કરવાની હાકલ નરેન્દ્ર મોદીએ મતદારોને કરી હતી.

મુસ્લિમોના બાહુલ્યવાળા કચ્છ જિલ્લામાં પોતે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કરવામાં આવેલા ઝડપી વિકાસનો હવાલો આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ થઈ શકતો હોય તો કાશ્મીરનો વિકાસ પણ થઈ શકે.

કાશ્મીર પરત્વેના પોતાના લગાવનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું જેમ કાશ્મીર વારંવાર આવતો રહું છું એમ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કચ્છ પણ જતો હતો. કચ્છમાં બહુમતી વસ્તી મુસ્લિમોની છે. કચ્છમાં રોજગાર કે આજીવિકાનાં કોઈ સાધનો નહોતાં, પણ છેલ્લાં દસ વર્ષમાં કચ્છ દેશમાં સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બની ગયો છે.

કચ્છની પ્રગતિની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કચ્છની પંદર કિલોમીટરની રેન્જમાં ૮૦૦૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થાય છે. કપડાનું ઉત્પાદન કરતા અને અન્ય ઉદ્યોગોને લીધે ૩૦૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે. અગાઉ કચ્છમાં પાણી નહોતું અને લોકો રોજગાર શોધવા અન્યત્ર જતા હતા. કચ્છ જેવી વિકાસની કમાલ કાશ્મીરમાં પણ થઈ શકે.

કિશ્તવારમાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ‘હું બૉલીવુડને ફરી કાશ્મીરમાં લાવીશ. ટૂરિઝમ આજે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતો ઉદ્યોગ બની ગયું છે. રાજ્યમાં ટૂરિઝમને અમે ફરીથી વેગ આપીશું અને જમ્મુ-કાશ્મીરને વિશ્વનું સર્વોચ્ચ આકર્ષણ ધરાવતું પ્રવાસન કેન્દ્ર બનાવીશું.’

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના લોકશાહી, માનવતા અને કાશ્મીરિયત પર આધારિત શાસન આપવાનું સપનું સાકાર કરવાની પ્રતિજ્ઞા પણ નરેન્દ્ર મોદીએ લીધી હતી.

જમ્મુ-કાશ્મીરમાં માત્ર બે પરિવારોએ જ શાસન કર્યું છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે ‘અહીંના અન્ય પરિવારોએ નેતા પેદા નથી કર્યા? કાશ્મીરના લોકો છેલ્લાં પચાસ વર્ષથી પસ્તાઈ રહ્યા છે. તમે આ પરિવારોને સજા નહીં કરો તો એ લોકો બમણા વેગ સાથે ફરી ત્રાટકશે.’

અબદુલ્લા અને મુફ્તી પરિવાર વચ્ચે એક રાજ્યને પાંચ-પાંચ વર્ષ સુધી લૂંટવાની સમજૂતી થયેલી છે એમ કહીને નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે ‘એક પરિવાર પાંચ વર્ષ સુધી સત્તા પર રહીને રાજ્યને લૂંટે છે. ત્યાર બાદ લોકો એ પરિવારને સત્તા પરથી ફગાવી દે છે. એ પછી બીજો પરિવાર રાજ્યને લૂંટવાનું શરૂ કરે છે. આવું ક્યાં સુધી ચાલશે?’

જોકે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ આ આક્ષેપોને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘આ આક્ષેપો નવા નથી. કદાચ નરેન્દ્ર મોદી ડરી ગયા છે. અમે રાજ્યને લૂંટ્યું હોત તો લોકોએ અમને મજબૂત ટેકો ન આપ્યો હોત. અમે લોકોનાં દિલ જીત્યાં છે એનો આ પુરાવો છે.’

ક્યા અચ્છે દિન આ ગએ? : ઝારખંડમાં રાહુલ ગાંધીનો સવાલ

ઝારખંડમાં ગઈ કાલે ચૂંટણીપ્રચાર કરતાં કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર લોકોને બદલે ઉદ્યોગપતિઓના ફાયદા માટે કામ કરી રહી છે. લાતેહારની સભામાં ઉપસ્થિત લોકોને રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે ‘ક્યા આપકે અચ્છે દિન આએ? કહાં હૈ અચ્છે દિન?’

નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશન વિશે ટોણો મારતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીએ વિકાસનું વચન લોકસભાની ચૂંટણી વખતે આપ્યું હતું, પણ હવે લોકોના હાથમાં ઝાડુ પકડાવી દીધું છે. માર્કેટિંગ અને ફોટો પડાવવાથી દેશનો વિકાસ નથી થતો.’