વાઇરલ થયેલાં પંજાબી લગ્નમાં દુુલ્હન પર સાડાઆઠ કરોડ નહીં પણ બેથી ચાર લાખ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો

19 February, 2026 08:56 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

પંજાબી લગ્નોમાં દુલ્હન પર રૂપિયા ઉછાળવા સામાન્ય બાબત છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયામાં એક પંજાબી લગ્નનો વિડિયો વાઇરલ થયો છે જેમાં એવો દાવો થઈ રહ્યો છે કે વરરાજાના પરિવારે કન્યા પર આશરે ૮.૫ કરોડ રૂપિયા રોકડા ઉછાળ્યા હતા. આના કારણે આ લગ્ન એક ભવ્ય રોકડ-પાર્ટીમાં ફેરવાઈ ગયાં હતાં. જોકે હવે જાણકારી મળી છે કે આ દાવો ખોટો છે. ઇવેન્ટ-મૅનેજર અને ડિસ્ક જૉકી (DJ)ના જણાવ્યા મુજબ કુલ ચાર લાખ રૂપિયા ઉછાળવામાં આવ્યા હતા, જેમાં કેટલાક ડૉલરનો પણ સમાવેશ છે. વાઇરલ વિડિયોમાં કરોડો રૂપિયાનો ઉલ્લેખ કેવી રીતે થયો એ હજી સ્પષ્ટ નથી.

આ સંદર્ભમાં વરરાજાના ભાઈ સિકંદર સિંહે જણાવ્યું હતું કે ‘મારા ભાઈનો ઑસ્ટ્રેલિયામાં ટ્રકનો વ્યવસાય છે. લગ્ન ૧૪ ફેબ્રુઆરીએ થયાં હતાં અને ઉજવણીના ભાગરૂપે ખુશીથી દુલ્હન પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ રકમ બે લાખ રૂપિયાની નજીક હતી. સોશ્યલ મીડિયામાં આ આંકડાને કરોડો ગણાવવામાં આવ્યો હતો જે ખોટું છે.’

પંજાબના તરનતારનમાં આ લગ્ન-સમારોહ યોજાયો હતો. વાઇરલ વિડિયોમાં દુલ્હન સ્ટેજ પર ઊભી રહી છે અને તેના પર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. પંજાબી લગ્નોમાં દુલ્હન પર રૂપિયા ઉછાળવા સામાન્ય બાબત છે.                

national news india punjab viral videos social media