દિલ્હીમાં દંગલ: કૉક્રૉચ જનતા પાર્ટીની પરવાનગી વગરની સંસદકૂચ ​હિંસક બની ગઈ

21 July, 2026 03:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જનતા પાર્ટીની પરવાનગી વગરની સંસદકૂચ ​હિંસક બની ગઈ : આંદોલનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, અશ્રુગૅસ પણ છોડાયો : અનેક પોલીસો લોહીલુહાણ, વાહનોને પણ ડૅમેજ

નરેન્દ્ર મોદી મૉન્સૂન સત્ર અટૅન્ડ કર્યા પછી સંસદમાંથી પાછા જઈ રહ્યા હતા ત્યારે જવાનો અલર્ટ મોડમાં હતા.

જંતરમંતર પરથી દૂર કર્યા તોય આંદોલન ચાલુ રાખવાની જાહેરાત, સોનમ વાંગચુકે કહ્યું કે મારી ભૂખહડતાળ ચાલુ: કૉક્રૉચ જનતા પાર્ટીની સંસદકૂચ હિંસક બની ગઈ ઃ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થયો અને અશ્રુગૅસ છોડાયો ઃ અનેક પોલીસો પણ ઘાયલ થયા અને તેમનાં વાહનો ડૅૅમેજ થઈ ગયાં

સરકાર આખરે ચર્ચા કરવા તૈયાર, પણ કૉક્રૉચ જનતા પાર્ટીનું વિરોધ-પ્રદર્શન અને સોનમ વાંગચુકની ભૂખહડતાળ ચાલુ જ

સંસદના મૉન્સૂન સત્રના પ્રથમ દિવસે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક અને શિક્ષણક્ષેત્રે ગરબડના વિરોધમાં પાટનગર દિલ્હીમાં દિવસભર પરિસ્થિતિ તંગ રહી હતી. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત શાંતિપૂર્ણ પ્રદર્શન બાદમાં હિંસક બની ગયું હતું. 

પોલીસનો કડક ઍક્શન-પ્લાન અને સુરક્ષા-ઘેરાબંધી (સવારે ચારથી ૯) : વહેલી સવારથી જ માર્ચને અટકાવવા માટે દિલ્હી પોલીસે અગાઉથી જ અભેદ્ય સુરક્ષા-કોઠો તૈયાર કર્યો હતો. સમગ્ર નવી દિલ્હીને ૧૫ ઝોનમાં વહેંચીને ૫૦૦૦થી વધુ પોલીસ અને પૅરામિલિટરી ફોર્સના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩ લાગુ કરીને વિરોધ-પ્રદર્શન પર પ્રતિબંધ મુકાયો હતો. સુરક્ષાના ભાગરૂપે સેન્ટ્રલ સેક્રેટરિયેટ અને રાજીવ ચોક સહિતનાં મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ કરી દેવાયા હતા.

જંતરમંતર પર જમાવડો અને ‘સંસદ ચલો’ની હાકલ (સવારે નવથી ૧૧): સવારે CJPના સ્થાપક અભિજિત દીપકે અને પ્રવક્તા સૌરવ દાસની આગેવાનીમાં ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને સમર્થકો જંતરમંતર પર એકઠા થયા હતા. પરવાનગી ન હોવા છતાં વિરોધકર્તાઓએ સંસદભવન તરફ કૂચ શરૂ કરી હતી. 

બૅરિકેડ્સ તોડીને સંસદ તરફ કૂચ અને હિંસક અથડામણ (બપોરે બારથી ૨.૩૦) : પ્રદર્શનકારીઓ કનેક્ટિંગ રસ્તાઓ અને બૅરિકેડ્સ તોડીને રાયસીના રોડ, કનૉટ પ્લેસ અને રેલભવન સુધી પહોંચી ગયા હતા. સ્થિતિ વણસતાં પોલીસે કનૉટ પ્લેસ અને વિજય ચોક પર લાઠીચાર્જ કરીને ટીઅર ગૅસના ગોળા છોડ્યા હતા. આ અથડામણમાં પચાસથી વધુ પોલીસ-કર્મચારીઓ અને દસથી વધુ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસરો ઘાયલ થયા હતા, જ્યારે ૭૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ હતી. બીજી તરફ સંસદ સુધી પ્રદર્શનકારીઓ પહોંચી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. સંસદની સુરક્ષામાં રહેલા જવાનોએ તમામ દરવાજા બંધ કરી દીધા હતા અને સંસદને સિક્યૉર કરવા માટે સુરક્ષા-જવાનો આમથી તેમ દોડતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે સંસદનું સત્ર પણ ચાલી રહ્યું હોવાથી વડા પ્રધાનથી માંડીને સમગ્ર પ્રધાનમંડળ અને દેશના તમામ સંસદસભ્યો હાજર હતા એટલે સ્થિતિ કાબૂ કરવી પોલીસ અને અર્ધસૈનિક દળો માટે પણ મુશ્કેલ બની હતી. 

સરકાર સાથે વાટાઘાટો અને આવેદનપત્ર (બપોરે ત્રણથી પાંચ): સ્થિતિ ગંભીર બનતાં કેન્દ્ર સરકારે મધ્યસ્થીની પહેલ કરી હતી. CJPના ડેલિગેશન (સૌરવ દાસ અને આશુતોષ રાંકા)એ કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમણે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને ભોગ બનેલા વિદ્યાર્થીઓ માટે એક-એક કરોડ રૂપિયાના વળતર સહિતની માગણીઓનું આવેદનપત્ર સોંપ્યું હતું.

અનશનનો અંત અને પોલીસની કાર્યવાહી (સાંજે ૫.૩૦ વાગ્યા પછી) : સરકાર સાથેની સકારાત્મક વાતચીત બાદ CJPના સ્થાપક અભિજિત દીપકેએ પોતાનો ઉપવાસ તોડ્યો હતો. એ જ રીતે શબાના આઝમી, પ્રકાશ રાજ અને સંસદસભ્ય મનોજ ઝાની અપીલથી ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ના વિદ્યાર્થીઓએ પણ અનશન સમેટી લીધા હતા. દિલ્હી પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને વિડિયો-પુરાવાના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ઉપદ્રવીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ શરૂ કરી છે.

CJPએ મોડી સાંજે ફરી એક વાર ફેરવી તોળ્યું (સાંજે ૭.૩૦ વાગ્યા પછી) : જોકે મોડી સાંજે પોલીસ દ્વારા સમગ્ર મેદાન ખાલી કરાવી દેવામાં આવ્યા બાદ પ્રદર્શનકારીઓ અને અભિજિત દીપકે જંતરમંતરની બહાર રોડ પર બેસી ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર રામલીલા મેદાનને કૉર્ડન કરીને કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. એને કારણે અભિજિત દીપકેએ અને તેના સમર્થકોએ રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી અને  હનુમાનચાલીસાના પાઠ કર્યા હતા. આ ઉપરાંત અભિજિત દીપકેએ સ્પષ્ટતા કરી હતી કે તેણે માત્ર ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું છે, વિરોધ-પ્રદર્શન યથાવત્ છે અને જ્યાં સુધી સરકાર અમારી માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ જ રહેશે. તેણે લોકોને પણ આ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી હતી. જોકે બીજી તરફ જે. પી. નડ્ડાએ તમામને પ્રદર્શન સમેટવાની અપીલ કરી હતી. ઉપરાંત તેમની માગણીઓ પર સરકાર ઘટતી કાર્યવાહી કરવા તૈયાર હોવાનું ટ્વીટ કર્યું હતું. 

કૉક્રૉચ જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સમક્ષ ૪ મુખ્ય માગણીઓ સાથે 
જે. પી. નડ્ડા સાથે મુલાકાત
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ કેન્દ્રીય પ્રધાન જે. પી. નડ્ડાને આવેદનપત્ર સોંપીને સરકાર સમક્ષ ૪ પ્રમુખ માગણીઓ રજૂ કરી છે. CJPએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હૉસ્પિટલમાંથી મુક્ત કરવાની અને તેમના પરના તમામ પ્રતિબંધો હટાવવાની માગણી કરી હતી. આ ઉપરાંત તેમના પર આ પ્રદર્શન અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે એવી માગણી કરી છે. આ ઉપરાંત નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવાની તથા શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવી હતી. આ સાથે જ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર દિલ્હી પોલીસનો બળપ્રયોગ તરત બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી. મુલાકાત બાદ CJPનું નિવેદન આવ્યું કે ખૂબ જ સકારાત્મક રીતે વાતચીત પૂરી થઈ છે અને સરકાર અમારી માગણીઓ સ્વીકારશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. 

અનશન ચાલુ જ રહેશે  ઃ સોનમ વાંગચુક
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ૨૩મા દિવસે પણ પોતાના ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પ્રદર્શન કરી રહેલા યુવાનોને સંસદસભ્યોને મળવાની પરવાનગી ન અપાય અથવા તો તેમને હૉસ્પિટલમાં વિદ્યાર્થીઓને મળવા ન દેવાય ત્યાં સુધી તેઓ અનશન ચાલુ રાખશે. સોનમ વાંગચુકે સોશ્યલ મીડિયા પર હસ્તલિખિત પત્ર જાહેર કરીને ઉશ્કેરણી છતાં પ્રદર્શનકારી યુવાનોએ જાળવેલી શાંતિની પ્રશંસા કરી હતી. તેમણે સરકાર અને પોલીસતંત્રને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારના બળપ્રયોગ વિના વાતચીત દ્વારા આ મુદ્દાનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવે.

દિલ્હી હિંસામાં પાકિસ્તાની સોશ્યલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવવાનું મોટું ષડ‍્યંત્ર
૭ લોકોનાં મોતની ખોટી પોસ્ટ કરાઈ વાઇરલ, હિંસા ભડકાવવામાં રાજકીય પક્ષની ભૂમિકા સામે આવશે તો થશે આકરી કાર્યવાહી

દિલ્હી પોલીસ હિંસા પાછળના કાવતરા અને અશાંતિ ફેલાવવાના વિદેશી કનેક્શનની બારીકાઈથી તપાસ કરી રહી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હિંસા વિશેની અનેક ભ્રામક ટ્વીટ્સ પાકિસ્તાની સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમ્યાન ૭ પ્રદર્શનકારીઓનાં મોત, ૩૯૧ ઈજાગ્રસ્ત અને ૨૫૦ લોકોની ધરપકડના ખોટા દાવા કરતી ફેક પોસ્ટ્સ વાઇરલ કરવામાં આવી હોવાનું પણ ખૂલ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ભડકાવવામાં જો કોઈ રાજકીય પક્ષની ભૂમિકા સામે આવશે તો જવાબદારો સામે આકરાં પગલાં ભરવામાં આવશે.

હિંસાની તપાસમાં ડિજિટલ પુરાવા ચાવીરૂપ બનશે
હિંસાની અને અશાંતિની ઘટનાઓની તપાસ કરી રહેલી પોલીસ માટે વિવિધ સ્રોતોમાંથી એકઠા કરાયેલા ડિજિટલ પુરાવાઓ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર CCTV કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ વિડિયો રેકૉર્ડિંગની બારીકાઈથી ચકાસણી કરીને હિંસામાં સામેલ તમામ આરોપીઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસને મળેલી અલગ-અલગ ફરિયાદોના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવી રહ્યો છે. આ સિવાય હિંસા પાછળનું ષડયંત્ર, લોકોને ઉશ્કેરવામાં બહારનાં તત્ત્વોની સંભવિત ભૂમિકા અને ઑનલાઇન અફવાઓ ફેલાવવા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

૧૦થી વધુ IPS અધિકારીઓ લોહીલુહાણ
નવી દિલ્હીમાં અશાંતિ અને પથ્થરમારાની ઘટનાઓ દરમ્યાન પચાસથી વધુ પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વિવિધ વિસ્તારોમાં તહેનાત ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને દિલ્હી, આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ્સ પોલીસ સર્વિસ (DANIPS)ના ૧૦થી વધુ ઉચ્ચ ઑફિસરો પણ આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે.

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સાડાત્રણ કલાક બેઠક

સંસદના મૉન્સૂનસત્ર અને CJPનાં પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સાડાત્રણ કલાક લાંબી મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રો અનુસાર ધર્મેન્દ્ર પ્રધાનની માનભેર વિદાય માટેનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાની શક્યતા છે જેમાં પ્રધાનને રાજીનામા માટે તૈયાર કરવા સહિતની તૈયારીઓ મામલે ચર્ચા થઈ હોવાની પ્રબળ શક્યતા છે.

નરેન્દ્ર મોદી દેશના ઇતિહાસના સૌથી યુવાવિરોધી વડા પ્રધાનઃ રાહુલ ગાંધી
પરીક્ષાઓમાં ગરબડ અને 
પેપર-લીકના મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો-સંદેશ જાહેર કરીને તેમણે વડા પ્રધાનને ભારતના ઇતિહાસના સૌથી યુવાવિરોધી વડા પ્રધાન ગણાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તેઓ નિષ્ફળ શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશમાં ૧૫૨ પેપર-લીકની ઘટનાઓથી ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ પીડાયા છે છતાં એક પણ દોષી સામે કાર્યવાહી થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે પોતાના હકની માગણી કરતા મહેનતુ યુવાનો પર લાઠીચાર્જ કરીને અને તેમની અટકાયત કરીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

national news india jantar mantar cockroach janata party political news delhi news new delhi delhi police indian government Sonam Wangchuk