મણિપુરમાં નવી સરકારના ગઠન બાદ હિંસા ભડકી ઊઠી

11 February, 2026 08:32 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

બદમાશોએ ૩૦થી વધુ ઘરોને આગ ચાંપી, અંધાધૂંધ ગોળીબાર વચ્ચે પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ

મણિપુરમાં હિંસા

મણિપુરમાં ૪ ફેબ્રુઆરીએ નવી સરકારના ગઠન બાદ ફરી એક વાર હિંસા ભડકી ઊઠી છે. ગઈ કાલે વહેલી સવારે ઉખરુલ જિલ્લાના લિટન ગામમાં ગોળીબાર થતાં લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. ઘણા કલાકો સુધી સતત ગોળીબારના અવાજ ચાલુ રહેતાં ગ્રામજનો ડરી ગયા હતા. થોડી જ વારમાં ઘણાં ઘરોમાં આગ લગાવવામાં આવી હતી અને ૩૦ ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. લોકો પોતાના પરિવારો અને જરૂરી સામાન સાથે સલામત સ્થળે ભાગી ગયા હતા. 

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ-સર્વિસ સ્થગિત કરી દીધી છે. જોકે પ્રશાસને હજી સુધી સત્તાવાર મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે, જેને કારણે ઘણા પરિવારો બેઘર બન્યા છે. એમાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ પ્રભાવિત થયાં છે. 

૪ ફેબ્રુઆરીએ નવી સરકાર બનાવવાના BJPના પ્રયાસોથી પહાડો અને ખીણ વચ્ચેનું અંતર દૂર થવાની આશા જાગી હતી. યુમનામ ખેમચંદ સિંહે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ મૈતેઈ સમુદાયના છે જે રાજ્યની વસ્તીનો ૫૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વંશીય સંતુલન જાળવવા માટે ખેમચંદ સિંહની સાથે નગા જનજાતિના લોસી દિખોને નાયબ મુખ્ય પ્રધાન તરીકે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુકી જાતિનું પ્રતિનિધિત્વ કરતાં નેમચા કિપગેનને પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જોકે આ પગલું ઊલટું પડ્યું હતું. નેમચા કિપગેનને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાથી કુકી-જો આદિવાસીઓમાં ગુસ્સો ફેલાયો હતો.

national news india manipur Crime News political news indian politics