વિજયનો પ્રથમ મોટો નિર્ણય : તામિલનાડુમાં દારૂની ૭૧૭ દુકાનો બંધ કરવાનો આદેશ

13 May, 2026 02:55 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ વિજયે રાજ્યમાં દારૂબંધીની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે.

તામિલનાડુના CM વિજય

તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ વિજયે રાજ્યમાં દારૂબંધીની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે. પોતાના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં મુખ્ય પ્રધાને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત દારૂની ૭૧૭ દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી આદેશ અનુસાર ધાર્મિક સ્થળો (મંદિર, મસ્જિદ, ચર્ચ), શૈક્ષણિક સંસ્થાઓ (સ્કૂલ-કૉલેજ) અને બસ-સ્ટેશનોની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દારૂની ૭૧૭ દુકાનો પર કાયમી તાળાં લગાવી દેવામાં આવશે. આ નિર્ણયનો અમલ કરવા માટે તંત્રને બે અઠવાડિયાંની સમયમર્યાદા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિજયે પોતાની રાજકીય સફરની શરૂઆતમાં જ જનતાને આપેલાં વચનોમાં દારૂના દૂષણને ડામવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને રહેણાક વિસ્તારો અને સ્કૂલોની નજીક ચાલતા દારૂના અડ્ડાઓ સામે લાંબા સમયથી જનતામાં રોષ હતો. વિજયના આ નિર્ણયને રાજ્યની મહિલાઓ અને સામાજિક સંગઠનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.

દારૂના વેચાણમાંથી તામિલનાડુ સરકારને મોટી આવક થાય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આઉટલેટ્સ બંધ કરવાથી સરકારી તિજોરી પર પડનારી અસર અને ગેરકાયદે વેચાણને રોકવા માટે સરકાર કેવી વ્યૂહરચના અપનાવે છે એ જોવું રહ્યું. જોકે મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે જાહેર સુરક્ષા અને નૈતિક મૂલ્યો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ નિર્ણય સાથે વિજયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમની સરકાર લોકકલ્યાણ અને સામાજિક સુધારણાના એજન્ડા પર મક્કમતાથી આગળ વધશે.

national news india tamil nadu political news indian politics vijay