અમે જીત્યા તો બિહારીઓને મફતમાં કોરોના વૅક્સિન

23 October, 2020 12:19 PM IST  |  Patna | Agency

અમે જીત્યા તો બિહારીઓને મફતમાં કોરોના વૅક્સિન

ગઈ કાલે પટનામાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ અને બિહાર બીજેપીના નેતાઓ. તસવીર : પી.ટી.આઈ.

બિહાર વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. બીજેપીએ ગઈ કાલે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. બીજેપીના સંકલ્પ પત્રને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લૉન્ચ કર્યું. ‘ભાજપ હૈ તો ભરોસા હૈ’નો નવો નારો અને વિડિયો સૉન્ગ જારી કર્યું છે. આ અવસરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર બીજેપીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય, કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિ પ્રધાન પ્રેમકુમાર, બિહાર સરકારના પ્રધાન નંદકિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધામોહન રાવ, સંસદસભ્ય વિવેક ઠાકુર મંચ પર જોવા મળ્યા.

આ અવસરે નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યાં સુધી કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધી માસ્ક જ વૅક્સિન છે, પરંતુ જેવી રસી આવશે કે ભારતમાં એનું મોટા પાયે પ્રોડક્શન શરૂ કરવામાં આવશે.

અત્રે જણાવવાનું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેડીયુ તરફથી પહેલાં જ નિશ્ચયની વાત કરાઈ છે અને એનડીએનું એક જૉઇન્ટ વિઝન ડૉક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે એનડીએની સરકાર બનશે તો પણ નીતીશકુમાર જ મુખ્ય પ્રધાન રહેશે.

ઘોષણાપત્ર લૉન્ચ કર્યાના અવસરે કૃષિ પ્રધાન પ્રેમકુમારે કહ્યું કે બીજેપી જે કહે છે એ કરે છે. જે સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યું છે એ કોઈ પણ સંજોગોમાં પૂરું કરાશે.

national news bihar nirmala sitharaman bihar elections patna bharatiya janata party