બે યાદવ વેવાઈ બનતાં હવે BJP સામે પૉલિટિકલ મોરચાને મળશે મજબૂતી

08 December, 2014 04:20 AM IST  | 

બે યાદવ વેવાઈ બનતાં હવે BJP સામે પૉલિટિકલ મોરચાને મળશે મજબૂતી


રાષ્ટ્રીય જનતા દળ (ય્થ્D)ના પ્રેસિડન્ટ લાલુ પ્રસાદ યાદવ ગઈ કાલે પોતાની નાની દીકરી રાજલક્ષ્મીનાં લગ્નનું ‘શગૂન’ લઈને પોતાના વેવાઈ સમાજવાદી પાર્ટીના ચીફ મુલાયમ સિંહ યાદવના ઘરે ગયા હતા. રાજલક્ષ્મીનું સગપણ મુલાયમ સિંહના સ્વર્ગીય કઝિન ભાઈ રતન સિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીના સંસદસભ્ય તેજ પ્રતાપ યાદવ સાથે થવાનું છે. લખનઉમાં બપોરે વેવાઈના આંગણે પહોંચેલા લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે મુલાયમને મળીને સગાઈ અને લગ્નની તારીખ નક્કી કરાશે ત્યાર બાદ અમે દિલ્હી અને ત્યાંથી રાંચી જઈશું. દેશના પૉલિટિક્સમાં હવે BJPની બોલબાલા છે અને મોદીરાજની સામે જનતા દળના જૂના જોગીઓની પાર્ટીઓ એક છત્ર નીચે આવવાની તૈયારી કરી રહી છે ત્યારે લાલુ અને મુલાયમ વેવાઈ બની રહ્યા છે એને એક પૉલિટિકલ રંગ પણ અપાઈ રહ્યો છે. મુલાયમે લોકસભાની બે સીટ પરથી જીતીને મૈનપુરીની સીટ ખાલી કર્યા બાદ ત્યાંથી તેજ પ્રતાપ ચૂંટાયો હતો જે હવે જનતા દળ પરિવારના લાલુ પ્રસાદનો જમાઈ બનવાનો છે. મુલાયમ તો પહેલેથી જ BJP સામે અન્ય પાર્ટીઓની મોરચાની પેરવીમાં છે એથી જનતા દળની વિવિધ પાર્ટીઓ પણ આ સંબંધોથી ખુશ છે.

સંબંધોનું રાજકારણ શું છે?

કેન્દ્રમાં મોદીની સરકાર આવ્યા બાદ વિરોધી પાર્ટીઓ એક થવાના પ્રયાસમાં છે. બિહારમાં લાલુ અને જનતા દળ યુનાઇટેડના નીતિશ કુમાર તથા કૉન્ગ્રેસે યુતિ કરી હતી અને પેટાચૂંટણીમાં પ્રમાણમાં સારી સફળતા મેળવી હતી. લોકસભાની ચૂંટણી પહેલાં BJP અને કૉન્ગ્રેસ સિવાયની પાર્ટીઓનો ત્રીજો મોરચો બનાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ નવેમ્બરમાં મુલાયમનો આવો પ્રયાસ સફળ રહ્યો હતો જેની પહેલી બેઠકમાં લાલુ પ્રસાદ પણ હાજર રહ્યા હતા. હવે લાલુ-મુલાયમ વેવાઈ બનવાથી ઉત્તર પ્રદેશ અને બિહાર પૉલિટિક્સનાં અલગ-અલગ કેન્દ્રો હોવાનો ભ્રમ દૂર થશે અને બૅકવર્ડ ક્લાસના પૉલિટિક્સમાં આગળ વધવા માગતી નવી પેઢીને મજબૂત નેતૃત્વ મળવાની આની પાછળ ગણતરી હોવાનું કહેવાઈ રહ્યું છે.

NCPએ કર્યું સ્વાગત

વર્ષો જૂના જનતા દળ પરિવારના કેટલાય ટુકડા દેશનાં કેટલાંક રાજ્યોમાં અલગ-અલગ નામે પ્રાદેશિક સ્તરે સક્રિય છે એમાંથી છ પાર્ટીનો એક પૉલિટિકલ મોરચો તૈયાર કરવાની આ કસરત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં શરદ પવારની NCP જાણીતી પ્રાદેશિક પાર્ટી છે. NCPના પ્રવક્તા તારિક અનવરે જનતા દળ પરિવારના એકત્રીકરણને આવકારતાં જણાવ્યું હતું કે ‘બીજેપીને ટક્કર આપી શકે એવા પૉલિટિકલ વિકલ્પની રાષ્ટ્રીય સ્તરે ખાસ જરૂર છે. નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીની સરકાર ચૂંટણી પહેલાં આપેલાં વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહી છે. હાલમાં અમારી પાર્ટી આવા કોઈ મોરચામાં જોડાવા કરતાં બિહારમાં પણ સ્વતંત્ર રહેશે, પરંતુ આખરી નર્ણિય આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં લઈશું.’