તમામ ડિવાઇસ માટે એક ચાર્જર: બે મહિનામાં ફેંસલો

20 August, 2022 08:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર તમામ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટે એક જ ચાર્જરની શક્યતા ચકાસવા માટે એક એક્સપર્ટ ગ્રુપની રચના કરશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

તમારા ઘરમાં કેટલાં ચાર્જર્સ છે? સ્માર્ટફોન માટે અલગ, લૅપટૉપ માટે અલગ તેમ જ બીજાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટે અલગ. જોકે થોડી રાહ જુઓ અને તમારા ઘરમાંથી તમામ ઈ-કચરો સાફ થઈ જશે, કેમ કે તમે માત્ર એક ચાર્જરથી તમારો આઇફોન, ઍન્ડ્રૉઇડ ટૅબ્લેટ, લૅપટૉપ તેમ જ બીજાં તમામ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સને ચાર્જ કરી શકશો, જેના માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. સરકાર વન-ચાર્જર પૉલિસીનો અમલ કરવા જઈ રહી છે, જેના માટે મહત્ત્વની એક મીટિંગ પણ મળી હતી. કેન્દ્ર સરકાર તમામ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટે એક જ ચાર્જરની શક્યતા ચકાસવા માટે એક એક્સપર્ટ ગ્રુપની રચના કરશે. આ એક્સપર્ટ ગ્રુપ બે મહિનામાં ડિટેઇલમાં રિપોર્ટ રજૂ કરશે. ભારત શરૂઆતમાં બે પ્રકારનાં ચાર્જરને અપનાવવાનો વિચાર કરી શકે છે. આ મીટિંગમાં એસોચેમ (અસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા), સીઆઇઆઇ (કૉન્ફડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી), ​ફિક્કી (ફૅડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી) તેમ જ ઇપીઆઇસી (ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ્સ ઇનોવેશન કન્સોર્ટિયમ) સહિત અનેક સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

શા માટે આ પગલું લેવાયું?
ગયા વર્ષે નવેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. એ દરમ્યાન તેમણે લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટના કન્સેપ્ટની વાત કરી હતી. જેના ભાગરૂપે ઇલેક્ટ્રૉનિક કચરો ઘટાડવાની દિશામાં વન-ચાર્જર પૉલિસી લવાશે.  

કોને નુકસાન થઈ શકે?
ગૅજેટ્સનું પ્રોડક્શન કરતી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સની અલગ ઓળખ માટે આ પૉલિસીનો અમલ થાય એમ ઇચ્છતી નથી. ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્ર સરકારને અપીલ પણ કરી છે કે યુરોપિયન યુનિયન વન-ચાર્જર પૉલિસીનો અમલ કરે એ પછી જ ભારતમાં એનો અમલ શરૂ કરવો જોઈએ.

બીજા દેશોમાં કેવી સ્થિતિ છે?
તમામ ડિવાઇસ માટે એક ચાર્જરનો કન્સેપ્ટ નવો નથી. યુરોપિયન યુનિયને જૂનમાં એના માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેના માટે પણ ઈ-કચરો ઘટાડવાનું કારણ અપાયું હતું. આ વિશે કાયદો બનાવાયા બાદ ફોનનું પ્રોડક્શન કરતી કંપનીઓને ૨૪ મહિનાની છૂટ આપવાનો પ્રસ્તાવ છે, જ્યારે લૅપટૉપ બનાવતી કંપનીઓને ૪૦ મહિનાનો સમય અપાશે.

national news