ફડણવીસ સામે સ્પર્ધામાં ઊતરશે વસુંધરા રાજે

02 May, 2015 04:28 AM IST  | 

ફડણવીસ સામે સ્પર્ધામાં ઊતરશે વસુંધરા રાજે


ધર્મેન્દ્ર જોરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક તરફ રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે તેમની પાર્ટીનાં રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા તેમના રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા માટે મુંબઈના બિઝનેસમેન અને કૉર્પોરેટ લીડર્સને આમંત્રણ આપવા માટે આવી રહ્યાં છે.

આ વર્ષના નવેમ્બર મહિનામાં ૧૯ અને ૨૦ તારીખો દરમ્યાન જયપુરમાં યોજાનારી રીસર્જન્ટ રાજસ્થાન પાર્ટનરશિપ સમિટ-૨૦૧૫માં સામેલ થવા ઇન્વેસ્ટરોને આકર્ષવા માટે આવતા અઠવાડિયે વસુંધરા રાજે સિંધિયા મુંબઈ આવી રહ્યાં છે. પાંચમી અને છઠ્ઠી મે એમ બે દિવસ વસુંધરા રાજે દક્ષિણ મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં રહેશે અને કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના સહયોગમાં રોડ-શો યોજશે.

BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઉદ્યોગો, ઉત્પાદકો અને સર્વિસ સેક્ટરને આકર્ષવા માટે મહારાષ્ટ્ર સાથે સ્પર્ધા કરી હોય એવો આ પ્રથમ અવસર નથી. ગયા નવેમ્બર મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુંબઈમાંથી મોટું ઇન્વેસ્ટમેન્ટ લઈ જવા માટે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ આવ્યાં હતાં. એ જ દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારના સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં મુકેશ અંબાણી, બાબા કલ્યાણી અને અજય પિરામલને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.

મહારાષ્ટ્રના કેવા હાલચાલ?


ફડણવીસ સરકારે છ મહિનાના શાસન દરમ્યાન મૂડીરોકાણકારો માટે અનુકૂળતા વધારતા અનેક સુધારા અમલમાં મૂક્યા છે. ફડણવીસ સ્વિટ્ઝરલૅન્ડ (દાવોસ), જર્મની અને ઇઝરાયલના પ્રવાસેથી ગયા ગુરુવારે પાછા આવ્યા ત્યારે તેઓ કેટલાંક આંતરરાષ્ટ્રીય બિઝનેસ હાઉસિસ સાથે ઇન્વેસ્ટમેન્ટ ડીલ્સ સાઇન કરીને આવ્યા હતા. મહારાષ્ટ્રના મૂડીરોકાણલક્ષી સુધારાને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ પણ સારો પ્રતિસાદ આપ્યો છે.

રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન તેમના રાજ્યમાં લેબર મૅનેજમેન્ટ અને બિઝનેસના વાતાવરણમાં લાવવામાં આવેલા સુધારાથી મુંબઈના બિઝનેસમેનો અને કૉર્પોરેટ લીડર્સને વાકેફ કરશે. તેઓ સૌરઊર્જા ક્ષેત્રને સર્પોટ કરવાની તેમના રાજ્યની જબરદસ્ત ક્ષમતા બાબતે વિશેષ રજૂઆત કરશે.જોકે ફડણવીસે વસુધરા રાજે સિંધિયાના આ કાર્યક્રમની સામે બીજું કેવું આયોજન કર્યું છે એ જાણવા નથી મળ્યું, કારણ કે મુખ્ય પ્રધાન શુક્રવારે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. જોકે રાજ્યના ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું ડિપાર્ટમેન્ટ રાજસ્થાન સરકારની ઇવેન્ટ પર ચોકસાઈપૂર્વક નિગરાની રાખશે.