વસુંધરા રાજેએ લલિત મોદીને પહ્મ પુરસ્કાર આપવાની ભલામણ કરેલી : અહેવાલ

08 July, 2015 08:31 AM IST  | 

વસુંધરા રાજેએ લલિત મોદીને પહ્મ પુરસ્કાર આપવાની ભલામણ કરેલી : અહેવાલ




જયપુર : તા, 08 જુલાઈ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદી સાથેના સંબંધોને લઈને પહેલાથી જ વિવાદોમાં સપડાયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. વસુંધરા રાજેએ લલિત મોદીને પદ્મ પુરસ્કાર અપાવવાના પ્રયત્નો કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ માટે તેમણે લલિત મોદીના વ્યવસાય અને ક્રિકેટને આધાર બનાવ્યો હતો.

તાજેતરમાં બહાર આવેલી વિગતો પ્રમાણે વસુંધરા રાજેએ વર્ષ 2007માં લલિત મોદીને પદ્મ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. રાજેએ 28 જુલાઈ 2007ના રોજ સ્પોર્ટ્સ કાઉન્સીલ મારફતે લલિત મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો હોવાનું એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

લલિત મોદીને પદ્મ પુરસ્કાર પ્રદાન કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકારે ક્રિકેટ અને તેના વ્યવસાયને આધાર બનાવ્યો હતો. વસુંધરા તરફથી કરવામાં આવેલા આવેદનમાં મોદીના વ્યવસાયની વિગતો જણાવવામાં આવી હતી. સાથો સાથ મોદીની કંપનીના કાર્યક્ષેત્ર વિષે પણ જણાવવામાં આવ્યું હતું. જ્યારે ક્રિકેટમાં મોદીના વિવિધ પદોનો ઉલ્લેખ કરવાની સાથો સાથ એ પણ જણાવવામાં આવ્યું હતું કે મોદીએ 2006માં જયપુરમાં ચેમ્પિયંસ ટ્રોફીની છ મેચો પણ આયોજીત કરી હતી તેમ તાજેતરમાં જાહેર થયેલા એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

મીડિયા અહેવાલ અનુસાર સરકારે જ તત્કાલીન રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ લલિત મોદી પાસે આવેદન મંગાવ્યું હતું. 27 જુલાઈ 2007માં પરિષદ સચિવને જાણ કરવામાં આવી હતી. બીજા જ દિવસે પરિષદે મુખ્ય સચિવને આગળની કાર્યવાહી હાથ ધરવા પત્ર મોકલ્યો હતો. તે દરમિયાન મોદીની બે દિશાએથી ભલામણ કરવામાં આવી હતી. એક માત્ર મોદી માટે અને બીજી આંતરાષ્ટ્રિય તીરંદાજ લિંબારામના નામની સાથે. જોકે બંનેને એવોર્ડ મળ્યા ન હતાં. જાહેર છે કે ભારત સરકાર તરફથી આપવામાં આવતા પહ્મ પુરસ્કારનું ઘણુ મહત્વ હોય છે.

ઉલ્લેખનીય છે કે વસુંધરા રાજે લલિત મોદીનું સમર્થન કરતી એફિડેવિટ કરવાના મામલે પહેલાથી જ વિવાદોમાં સપડાયેલી છે. મની લોન્ડરિંગને લઈને ઈડીની તપાસનો સામનો કરી રહેલા લલિત મોદી વસુંધરા માટે આ મુદ્દે વધુ મુશ્કેલી સર્જી શકે છે.