"મોદી ને રાજનાથ સિંહ ઉકેલ શોધી કાઢશે"

19 June, 2015 08:15 AM IST  | 

"મોદી ને રાજનાથ સિંહ ઉકેલ શોધી કાઢશે"




ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કૌભાંડમાં સંડોવાયેલા IPLના ભૂતપૂર્વ ચીફ લલિત મોદીને બ્રિટિશ ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ મેળવવામાં મદદ કરવાના મુદ્દે વિવાદના વમળમાં ફસાયેલાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના રાજીનામાની માગણી થઈ રહી છે ત્યારે ગઈ કાલે BJPએ આ મુદ્દે પાર્ટીની આગામી રણનીતિ ઘડી કાઢી હતી. ગઈ કાલે સાઉથ બ્લૉકમાં સત્તાવાર બેઠકો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ-મિનિસ્ટર રાજનાથ સિંહ મળ્યા હતા અને તેમણે આ મુદ્દે ચર્ચા કરી હતી અને હવે ફરીથી મળીને તેઓ રણનીતિ ઘડી કાઢશે. અમિત શાહ સાથે મુલાકાત

વસુંધરા રાજે આજે પંજાબમાં આનંદપુર સાહિબમાં એક ફંક્શનમાં જઈ રહ્યાં છે જ્યાં તેઓ પાર્ટી-અધ્યક્ષ અમિત શાહને મળવાનાં છે. આ ફંક્શનમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ આવી રહ્યા છે.

આ બેઠકમાં તેઓ પોતાના વતી અને પુત્ર દુષ્યંત સિંહ વતી પણ રજૂઆત કરશે અને સાચી હકીકત જણાવશે. દુષ્યંત સિંહની કંપનીમાં લલિત મોદીની કંપનીએ ૧૧.૬૩ કરોડ રૂપિયાનું જે રોકાણ કર્યું છે એની પણ સફાઈ આપશે.

રાજીનામાની માગણી

એક તરફ કેન્દ્ર સરકારે લલિત મોદી પ્રકરણ વિશે ગઈ કાલે કોઈ નિવેદન નહોતું આપ્યુંં એથી વિરોધ પક્ષો અને ખાસ કરીને કૉન્ગ્રેસે સુષમા સ્વરાજ અને વસુંધરા રાજેના રાજીનામાની માગણી કરી હતી અને આ મુદ્દે વડા પ્રધાનના અકળ મૌન વિશે શંકા વ્યક્ત કરી હતી.

કૉન્ગ્રેસના પ્રવક્તા ટૉમ વડક્કને કહ્યું હતું કે ‘વસુંધરા રાજેએે વડા પ્રધાનની સંમતિ બાદ લલિત મોદીને મદદ કરી હતી એનો જવાબ મોદીએ આપવો જોઈએ. સુષમા સ્વરાજે પણ મોદીને પૂછીને ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ મેળવવામાં મદદ કરી હતી? વડા પ્રધાને પૉલિટિકલ વિપશ્યના છોડીને આ જવાબ આપવા જોઈએ.’

વસુંધરા રાજીનામું નહીં આપે

રાજસ્થાનના આરોગ્યપ્રધાન રાજેન્દ્ર રાઠોડે ગઈ કાલે કહ્યું હતું કે વસુંધરા રાજે સાથે પાર્ટી અને કેન્દ્રીય નેતાગીરી છે અને તેમનો ટેકો છે એથી વસુંધરા રાજે રાજીનામું આપે એવો સવાલ પેદા નથી થતો.

લલિત મોદીએ વસુંધરાને ફસાવ્યાં?

રાજસ્થાનના એક સરકારી અધિકારીના કહેવા પ્રમાણે વસુંધરા રાજે ૨૦૦૩થી ૨૦૦૮ દરમ્યાન જ્યારે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં ત્યારે લલિત મોદી રાજે સામે ટેબલ પર પગ મૂકીને બેસી શકે એવો વટ હતો. જોકે ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના સંબંધો બગડી ગયા અને લલિત મોદી રાજેથી દૂર થઈ ગયા હતા. એથી લલિત મોદીના સમર્થકોને મોટો આઘાત લાગ્યો હતો. જોકે રાજસ્થાન ક્રિકેટ અસોસિએશનની ચૂંટણીમાં લલિત મોદીએ જીત મેળવી એમ છતાં રાજ્ય સરકારે લઘુમતી સેલના અમીન પઠાણને બૉસ બનાવ્યા અને રાજસ્થાન ક્રિકેટ અસોસિએશનનું મહત્વ ઓછું કરી દીધું. જયપુરમાં નવું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાની કલ્પના પણ લલિત મોદીની હતી. એ માટે ચોપ ગામમાં ૧૮ હેક્ટર જમીન આરક્ષિત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વસુંધરા રાજેએ રદ કરી દીધો. એથી લલિત મોદીએ વસુંધરા રાજેને તેમના ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સના કેસમાં ફસાવ્યાં છે.