વસુંધરા રાજેની ખુરસી જોખમમાં

27 June, 2015 05:52 AM IST  | 

વસુંધરા રાજેની ખુરસી જોખમમાં



લલિત મોદીને બ્રિટનમાં ઇમિગ્રેશન બાબતની કાર્યવાહીમાં વિટનેસ બનનારાં રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની ખુરસી જોખમમાં છે. લલિત મોદીની કંપનીએ તેમના પુત્ર દુષ્યંત સિંહની કંપની નિયંત હેરિટેજ હોટેલ્સમાં ૧૧.૩૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને એમાં વસુંધરા રાજેને પણ ફાયદો થયો હતો એવા થયેલા નવા ખુલાસાને કારણે હવે તેમને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડે એવું લાગી રહ્યું છે.ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલા ઍફિડેવિટમાં વસુંધરા રાજેએ નિયંત હોટેલ્સના ૩૨૮૦ શૅર હોવાનું જણાવ્યું હતું. વસુંધરા રાજેના જન્મદિવસે પુત્ર દુષ્યંત અને પુત્રવધૂ નિહારિકાએ અનુક્રમે ૧૬૧૫ અને ૧૬૬૫ શૅર ગિફ્ટ આપ્યા હતા.

આ ખુલાસો થતાં કૉન્ગ્રેસે હવે વસુંધરા રાજેના રાજીનામાની માગણી દોહરાવી છે. કૉન્ગ્રેસે કહ્યું છે કે વસુંધરા રાજેને આ સોદામાંથી ફાયદો થયો છે એ સ્પષ્ટ છે.આ ખુલાસાને પગલે ગઈ કાલે રાત્રે દિલ્હીમાં BJPના નેતાઓની એક બેઠક યોજાઈ હતી અને એમાં આગળ શું કાર્યવાહી કરવી એની વિચારણા કરવામાં આવી હતી.ગઈ કાલ સુધી પાર્ટી વસુંધરા રાજે સાથે હતી, પણ હવે વસુંધરા રાજેને મળતો સર્પોટ ઓછો થઈ રહ્યો છે. આજે સાંજે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળે એવી શક્યતા છે.