૨૫૮ વર્ષથી વારાણસીમાં બનેલી મા દુર્ગાની આ મૂર્તિને કોઈ ટસનું મસ નથી કરી શક્યું

30 September, 2025 07:59 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

ધીમે-ધીમે કરતાં ૬૦ પહેલવાનોને બોલાવવામાં આવ્યા, છતાં મૂર્તિ હલી નહીં.

આ મૂર્તિની પાસે જ અગિયારમી શતાબ્દીમાં બનેલી કાળા પથ્થરની વિષ્ણુ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

૧૭૬૭માં નવરાત્રિના અવસરે પશ્ચિમ બંગાળના મુખરજી પરિવારે વારાણસીમાં મા દુર્ગાની એક એવી પ્રતિમા સ્થાપિત કરી હતી જેને આજ સુધી કોઈ વિસર્જિત કરી નથી શક્યું. એ પછી પણ મૂર્તિમાં આજ સુધી એક નાનો ઘસરકો સુધ્ધાં નથી આવ્યો. એની જાળવણીમાં પણ કોઈ ખર્ચ કરવામાં નથી આવ્યો. મા દુર્ગાની જ ઇચ્છા અનુસાર ૨૫૮ વર્ષથી મૂર્તિને માત્ર ગોળ અને ચણાનો ભોગ ધરાવાય છે. 

બંગાળના હુગલીથી બનારસ આવેલા પ્રસન્ન મુખરજી નામના દુર્ગાભક્તે મદનપુરાના ગુરુણેશ્વર મહાદેવ મંદિર પાસે પહેલા નોરતે મા દુર્ગાની આ મૂર્તિ સ્થાપિત કરી હતી. વારાણસીના મિની બંગાળ ગણાતા મદનપુરા વિસ્તારની પુરાની દુર્ગાબાડીમાં આ પ્રતિમા છે. આ મૂર્તિ માટીની જ બનેલી છે. એમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. મુખરજી પરિવારના વંશજ પંડિત હેમંત મુખરજીનું કહેવું છે કે આ મૂર્તિની સ્થાપના જ માના કહેવાથી થઈ હતી. પ્રસન્ન મુખરજીને સપનામાં મા દુર્ગા આવ્યાં હતાં અને કાશીમાં વાસ કરવાની ઇચ્છા દર્શાવીને કહ્યું હતું કે ‘પછી મને ગંગામાં વહાવીશ નહીં. માત્ર ચણા અને ગોળથી મારો ગુજારો થઈ જશે.’

એમ છતાં પહેલી વાર દશમીએ જ્યારે મૂર્તિ વિસર્જિત કરવા માટે પ્રતિમાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો પાંચ ફુટની મા દુર્ગાની પ્રતિમાને કોઈ ટસની મસ નહોતું કરી શક્યું. ધીમે-ધીમે કરતાં ૬૦ પહેલવાનોને બોલાવવામાં આવ્યા, છતાં મૂર્તિ હલી નહીં.

હવે મૂર્તિના રખરખાવ માટે કોઈ જ ખાસ ખર્ચ નથી. મંદિર અને મૂર્તિના રંગરોગાન સિવાય કોઈ ખર્ચ નથી થતો. આ મૂર્તિની પાસે જ અગિયારમી શતાબ્દીમાં બનેલી કાળા પથ્થરની વિષ્ણુ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

national news india varanasi navratri garba culture news bengal