વારાણસીની જગન્નાથ ગલીમાં વડા પ્રધાન મોદીએ સફાઈ કરી

26 December, 2014 05:40 AM IST  | 

વારાણસીની જગન્નાથ ગલીમાં વડા પ્રધાન મોદીએ સફાઈ કરી













દેશભરમાં સ્વચ્છતાનો વાવર : (૧) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં અસ્સી ઘાટ પર જઈને તેમણે અગાઉ શરૂ કરેલા સ્વચ્છતા મિશનની કામગીરીની સમીક્ષા કરી હતી. (૨) વડા પ્રધાને અસ્સી ઘાટ નજીકની એક શેરીમાં ઝાડું ફેરવ્યું હતું. નવી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય પ્રધાનો (૩) જે. પી. નડ્ડા, (૪) નીતિન ગડકરી અને (૫) સુરેશ પ્રભાકર પ્રભુએ સફાઈ કરી હતી. (૬) ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે નવી દિલ્હીના ગોલ માર્કેટ વિસ્તારમાં પડેલો કચરો કાળી કોથળીમાં જમા કર્યા હતો (૭) દેશની ટોચની બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલ હૈદરાબાદમાં સફાઈ કામમાં જોડાઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવતાં ગઈ કાલે અસ્સી ઘાટ નજીકની જગન્નાથ ગલીમાં સફાઈ કરી હતી અને આ ઝુંબેશમાં સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

સફાઈ મિશનને અત્યાર સુધી મળેલા પ્રતિસાદ વિશે વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘અસ્સી ઘાટ પર વર્ષોથી પડેલો માટીનો ઢગલો સફાઈ મિશનમાં દૂર કરવામાં આવતાં ગંગામાતાનું ખરું સૌંદર્ય હવે જોવા મળી રહ્યું છે. આ ગંગામાતા સામે ઊભો રહીને હું સફાઈ મિશનને વેગ આપવાની અપીલ બધાને કરું છું.’

વડા પ્રધાને સ્વચ્છ ભારત મિશનના ઍમ્બૅસૅડર તરીકે વધુ નવ લોકો-સંગઠનોને નૉમિનેટ કયાર઼્ હતાં. એ નવમાં કૉમેડિયન કપિલ શર્મા, ક્રિકેટર સૌરવ ગાંગુલી, મુંબઈના ડબ્બાવાળાઓ, નૃત્યાંગના સોનલ માનસિંહ, નાગાલૅન્ડના ગવર્નર પદ્મનાભ આચાર્ય, ઇન્ડિયન પોલીસ સર્વિસનાં નિવૃત્ત અધિકારી કિરણ બેદી, ઇનાડુ ગ્રુપના રામોજી રાવ, ઇન્ડિયા ટુડે ગ્રુપના અરુણ પુરી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

આ અગાઉ ઍક્ટર્સ કમલ હાસન, પ્રિયંકા ચોપડા તથા સલમાન ખાન તેમ જ લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને પણ સ્વચ્છ ભારત મિશનના ઍમ્બૅસેડર્સ બનાવવામાં આવ્યા હતા.