બેવફા ચાય વાલાઃબ્રેક અપ થયું છે તો અહીં ચા પર મળે છે ડિસ્કાઉન્ટ

14 February, 2019 12:25 PM IST  |  લખનઉ

બેવફા ચાય વાલાઃબ્રેક અપ થયું છે તો અહીં ચા પર મળે છે ડિસ્કાઉન્ટ

હવે ચા વાળો પણ થયો બેવફા !

યુવાનીમાં કોનું દિલ નહીં તૂટ્યું હોય? તૂટેલા દિલની પીડા બારમાં અથવા ચાની ટપરી પર બેસીને દોસ્તો સાથે વાગોળવામાં આવે છે. લખનઉમાં જસકરમન ગિલ, આદિત્ય અને રોમિલ નામના ત્રણ દોસ્તો પ્રેમમાં દગો ખાઈને એક ચાની ટપરી પર બેસી રહેતા. એમાંથી આ યુવાનોને વિચાર આવ્યો પોતાના જેવા દુખિયારા આત્માઓને સુકૂન મળે એવી ચાની ટપરી નાખવાનો. સાથે થોડુંક કટક-બટક થઈ શકે એવી આઇટમો પણ રાખવાનું નક્કી કર્યું. ત્રણેય પ્રેમમાં ધોખો ખાઈને આ નવા કામમાં લાગેલા હોવાથી ત્રણેયને બેવફા ચાયવાલા નામ ગમી ગયું. તેમણે બેવફાઈનો ભોગ બનેલા સિંગલ્સને ખાસ ડિસ્કાઉન્ટ આપવાનું પણ શરૂ કર્યું. આ ટપરી પર હૅપી કપલને જે ચા ૧૫ રૂપિયામાં મળે એ ભગ્નહૃદયીઓને ૧૦ રૂપિયામાં અપાય છે. લખનઉના ફન સિનેમા પાસે આવેલા એક મૉલના ખોબચામાં આ ટપરી શરૂ થઈ છે જેના મેનુમાં વાનગીઓના નામ પણ અજીબોગરીબ છે.

આ પણ વાંચોઃ આ ભાઈએ ભેખ લીધો છે વાઇફને સાજી કરવાનો

અહીં ‘બદનામ કૉફી’, ‘બેઈમાન મૅક્રોની’, ‘બકવાસ મૅગી’, ‘બેરહમ ચિલી પટેટો’ જેવી આઇટમો છે. હટકે નામને કારણે આ હવે યુવાનોનો અડ્ડો બનવા લાગ્યો છે. વૅલેન્ટાઇન્સ ડેની આસપાસ તો ભગ્નહૃદયીઓ અહીં આવીને પોતાના બ્રેકઅપને દોસ્તો સાથે સેલિબ્રેટ કરે છે. આ આઉટલેટ હવે એટલું હિટ થઈ ગયું છે કે ત્રિપુટી લખનઉમાં જ બીજી બે જગ્યાએ આ જ પ્રકારનું આઉટલેટ ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે.