૧૦ દિવસમાં વૅક્સિન લગાવવાની શરૂઆત થશે

06 January, 2021 02:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૦ દિવસમાં વૅક્સિન લગાવવાની શરૂઆત થશે

પ્રયાગરાજમાં રસીની ડ્રાયરનમાં ભાગ લેતા હેલ્થ વર્કર. (તસવીર: પી.ટી.આઈ)

કોરોના મહામારી વિરુદ્ધ લડાઈમાં ભારત હવે નિર્ણાયક સ્થિતિ પર પહોંચી ગયું છે. કોરોના મહામારીના દેશમાં પ્રકોપ બાદ ૬ મહિના પછી સક્રિય કેસનો આંકડો ૨.૫ લાખની અંદર પહોંચી ગયો છે.

મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે સરકાર ૧૦ દિવસમાં જ વૅક્સિન લગાવવાની પ્રક્રિયાનો આરંભ કરશે. તમામ રાજ્યોમાં કરવામાં આવેલું ડ્રાય રન સફળ રહ્યું હતું. સરકારે કોરોના વાઇરસની બે રસીને નિયમનકારી મંજૂરીઓ આપી છે, ત્યારે સરકારે એ રસીને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એમ ઉચ્ચ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આવતા સપ્તાહના અંતમાં લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે વિશ્વની સૌથી મોટી ઇનોક્યુલેશન (રસીકરણ) ડ્રાઇવ માટે વૈજ્ઞાનિકો અને ટેક્નિશ્યન્સની પ્રશંસા કરતાં કહ્યું હતું કે દેશને તેમના પર ગર્વ છે.

હેલ્થ સેક્રેટરીએ વધુમાં કહ્યું હતું કે ૨૩ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી સંક્રમણનું પ્રમાણ ૩ ટકાથી નીચે આવી ગયું છે. ૨૧ ડિસેમ્બરે દેશભરમાં કુલ ૧૦ લાખ સક્રિય કેસ હતા જે ૨ જાન્યુઆરીએ ઘટીને ૨.૫ લાખ પર આવી ગયા હતા. આ સક્રિય કેસમાંથી ૪૩.૯૬ ટકા કેસ હૉસ્પિટલમાં જ દાખલ છે જ્યારે ૫૬.૦૪ ટકા આઇસોલેશનમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોવિડ હૉસ્પિટલ્સ પર દરદીઓનો ભાર હવે હળવો બની રહ્યો છે. 

coronavirus covid19 national news