દેશમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ

10 January, 2021 01:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ

ચેન્નઈની એક હોસ્પિટલમા શુક્રવારે ચાલી રહેલી ડ્રાય રનની તૈયારીઓ (તસવીર: પી.ટી.આઈ)

સૌથી પહેલાં દેશના ત્રણ કરોડ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અને વૅક્સિનેશનની સમીક્ષા કર્યા બાદ ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે એક સરકારી અધિકારીએ કહ્યું કે ‘વિગતવાર સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં લોહડી, મકર સંક્રાતિ, પોંગલ, માઘ બિહુ જેવા તહેવાર આવવાને લીધે દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોનાની રસી

ઉપલબ્ધ કરાવવામાં આવશે. નૅશનલ રેગ્યુલેટર દ્વારા સલામતી અને રોગપ્રતિકારક શક્તિ સ્થાપિત કરનારી બે રસીઓ (કોવિશિલ્ડ અને કોવૅક્સિન) માટે ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન અથવા ઝડપી મંજૂરી આપવામાં આવી છે.’

ત્યાર બાદ કોવિડ-19ની દિશામાં ભારતના આ પગલાને મહત્ત્વપૂર્ણ ગણાવી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોનાની રસીનું વૅક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે. સૌથી પહેલાં આપણા નીડર ડૉક્ટર્સ, હેલ્થકૅર વર્કર્સ, સફાઈ-કર્મચારીઓ સહિત ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે.’

હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર બાદ, ૫૦ વર્ષથી વધુ ઉંમરના અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેમની સંખ્યા લગભગ ૨૭ કરોડ જેટલી છે. દેશમાં કોરોનાના અંદાજે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કેસ છે અને આ બીમારીને લીધે કુલ દોઢ લાખથી વધારે લોકોનાં મોત થયા છે.

coronavirus covid19 national news