ગાયને કાપીને પેટ ભરતા લોકોને હિન્દુસ્તાનમાં રહેવાનો હક નથી

02 November, 2014 05:47 AM IST  | 

ગાયને કાપીને પેટ ભરતા લોકોને હિન્દુસ્તાનમાં રહેવાનો હક નથી


ઉત્તરાખંડના રાજ્યપાલ અઝીઝ કુરેશીએ એક નિવેદન કરીને ફરી વિવાદ સરજ્યો છે. કુરેશીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગાયને કાપનારા લોકોને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ હક નથી.

એક કાર્યક્રમમાં પ્રવચન આપતાં કુરેશીએ કહ્યું હતું કે ‘ગાય આપણી માતા છે અને લોકો ગાય સાથે જોડાયેલા છે. કોઈ ગાયને કાપતું હોય તો આપણે સમાજમાંથી એનો બહિષ્કાર કરવો જોઈએ. જે ગાયની હત્યા કરે છે તે હિન્દુસ્તાની ન હોઈ શકે. એવા લોકોને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.’

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવતે આ નિવેદનને રાજ્યપાલનો અંગત અભિપ્રાય ગણાવ્યું હતું એની સાથે-સાથે કુરેશીનો બચાવ પણ કર્યો હતો. રાવતે જણાવ્યું હતું કે ગૌહત્યા પર પ્રતિબંધ છે અને એના માટે સજાની જોગવાઈ પણ છે.

કુરેશી વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે. ૨૦૧૩ની ત્રીજી એપ્રિલે દેહરાદૂનમાં યોજાયેલી અખિલ ભારતીય કુરેશી મહાસભામાં રાજ્યપાલે ગૌવધ કરનારાઓનું મોં કાળું કરીને તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો. આ ઠરાવને કારણે કુરેશી મુસ્લિમ કટ્ટરવાદીઓના રોષનું નિશાન બન્યા હતા.