Uttarakhand: દુર્ઘટનામાં કુલ 32નાં મોત, હજી પણ 170 કરતાં વધુ મજૂરો ગુમ

11 February, 2021 09:45 AM IST  |  Dehradun/Tapova | Agency

Uttarakhand: દુર્ઘટનામાં કુલ 32નાં મોત, હજી પણ 170 કરતાં વધુ મજૂરો ગુમ

તપોવન ટનલ પાસે ચાલી રહેલું બચાવ અભિયાન. તસવીર ઃ પી.ટી.આઇ

ત્રણ દિવસ પહેલાં ઉત્તરાખંડમાં ગ્લૅસિયરની હોનારત સર્જાઈ ત્યારથી કાદવથી ભરાયેલી ટનલમાં ફસાયેલા ૨૫થી ૩૫ કામદારોને શોધવાના પ્રયાસોને ઉગ્ર બનાવતાં રેસ્ક્યુ ટીમે ડ્રોન તથા અન્ય રિમોટ સેન્સરથી ચાલતાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો. ૧૭૦ કરતાં વધુ કામદારો ગુમ થયાં છે ત્યારે પસાર થતા સમય સાથે તેમના જીવિત મળવાની આશા ક્ષીણ થઈ રહી છે. મંગળવારે વધુ ૬ મૃતદેહ મળતાં આ દુર્ઘટનામાં મરનારનો આંકડો ૩૨ પર પહોંચ્યો હતો.

રવિવારે હિમાલયના ઉપરી વિસ્તારમાં ગ્લૅસિયર ધસી પડવાને કારણે હિમપ્રપાત અને અલકનંદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારથી જ એનટીપીસી હાઇડલ પ્રોજેક્ટ સાઇટ પર અનેક એજન્સીઓ દ્વારા અવિરતપણે બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે એમ જણાવતાં અધિકારીઓએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ચમોલી જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૩૨ મૃતદેહ સાંપડ્યા છે, જેમાંથી ૮ જણની ઓળખ કરી શકાઈ છે તથા હજી ૧૭૪ લોકો ગુમ છે એમ દેહરાદૂનસ્થિત સ્ટેટ ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટરે જણાવ્યું હતું.

તપોવનમાં ૧૫૦૦ મીટરની ટનલની અંદર કામ કરી રહેલા કામદારોને બચાવવા ટનલમાં કાદવ-કીચડ અને કાટમાળને હટાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. આ માટે તમામ યંત્રણાઓ કામે લગાડવામાં આવી હતી, એમ જણાવતાં ઉત્તરાખંડ પોલીસના મુખ્ય પ્રવક્તા નિલેશ આનંદ ભારનેએ કહ્યું હતું કે ટનલમાંનો કાદવ સુકાઈને સખત બની રહ્યો હોવાથી તેમાં ડ્રીલ કરવાનું કાર્ય વધુ મુશ્કેલ બની રહ્યું હતું.

national news uttarakhand dehradu