ઉત્તરાખંડ તબાહી રેસ્ક્યુ પુરજોશમાં

09 February, 2021 11:10 AM IST  |  Chamoli | Agencies

ઉત્તરાખંડ તબાહી રેસ્ક્યુ પુરજોશમાં

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન ડૅમ નજીક આવેલી ટનલમાં ગઈ કાલે પણ બચાવ અભિયાન ચાલી રહ્યું હતું. તસવીર : પી.ટી.આઇ.

ગઈ કાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા લોકો પણ તણાઈ ગયા છે. અત્યાર સુધી ૧૫ વ્યક્તિના મૃતદેહ મળ્યા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક તંત્ર, સેના અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ચાલી રહ્યું છે.
આ દુર્ઘટનામાં લગભગ ૨૦૩ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ૧૫ મૃતદેહ મળ્યા છે. તપોવનની નાની ટનલમાં રેસ્ક્યુ કરી ૧૨ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે મોટી ટનલમાં કાટમાળ દૂર કરવામાં આવી રહ્યું છે. આર્મી સહિત એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે. જોકે આ ટનલ લગભગ બે કિલોમીટર લાંબી છે અને હાલમાં લગભગ ૧૦૦થી ૨૦૦ મીટર સુધીનો જ માર્ગ સાફ થયો છે.
તપોવન ટનલ પાસે આઇટીબીપીનું રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. અહીં સ્નિફર ડૉગની મદદ લેવાઈ રહી છે. સોમવારે સવારે ઉત્તરાખંડમાં વાયુસેના રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાઈ છે, સાથે જ દહેરાદૂનથી પણ જોશીમઠ માટે જવાનોને મોકલવામાં આવી રહ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે એક સુરંગમાં લગભગ ૩૦ લોકો ફસાયેલા છે, જ્યારે ૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે લગભગ ૧૭૦ લોકો ગુમ છે, જ્યારે ગઈ કાલે ૧૨ લોકોને બચાવવામાં આવ્યા હતા, એ એક બીજી ટનલ હતી.
બીજી બાજુ, ચમોલી પાસે રૈની ગામમાં રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અહીં ઋષિ ગંગા પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

national news