21 November, 2023 10:30 AM IST | Uttarkashi | Gujarati Mid-day Correspondent
રેસ્ક્યુ માટે લાવવામાં આવેલું હાઈ પર્ફોર્મન્સ ડ્રિલિંગ મશીન
ઉત્તરાખંડમાં છેલ્લા ૯ દિવસથી ટનલ ધરાશાયી થવાને કારણે ૪૧ મજૂરો ફસાયા છે. તેમને બચાવવાના પ્રયાસોમાં ગઈ કાલે પ્રગતિ થઈ છે. છ ઇંચના વ્યાસવાળી એક પાઇપને તેમના સુધી પહોંચાડવામાં આવી છે, જેને કારણે તેમને પહોંચાડવામાં આવનારી રાહતસામગ્રીને મોટી માત્રામાં મોકલી આપવામાં સહાય થશે. દરમ્યાન ગઈ કાલે વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને રેસ્ક્યુ ઑપરેશન વિશે માહિતી મેળવી હતી. તેમ જ ફસાયેલા મજૂરોના આત્મવિશ્વાસને ઊંચા રાખવા માટે જણાવ્યું હતું. એનએચઆઇડીસીએલનાં ડિરેક્ટર અંશુ મનીષા કાલખોએ જણાવ્યું હતું કે ‘છ ઇંચ વ્યાસવાળી પાઇપને ૫૩ મીટર સુધી અંદર જવા દેવામાં આવી છે, જેના કારણે અહીં ફસાયેલા મજૂરો અમારો અવાજ પણ સાંભળી શકે છે.’
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ
ગઈ કાલે આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ ઘટનાસ્થળે ગયા હતા. તેમણે બચાવ કામગીરીને જોઈ હતી. તેઓ ઇન્ટરનૅશનલ ટનલિંગ અને અન્ડરગ્રાઉન્ડ સ્પેસ અસોસિએશનના હેડ છે. દરમ્યાન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે બચાવ માટે જરૂરી સાધનો કેન્દ્રએ મોકલ્યાં છે. ત્રીજી વખત વડા પ્રધાને આ મામલે મુખ્ય પ્રધાન સાથે વાત કરી હતી. આર્નોલ્ડ ડિક્સે મજૂરોને બચાવવા કરવામાં આવી રહેલી કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મેં થોડા સમય પહેલાં જ ટનલની મુલાકાત લીધી છે. હું પહાડની ટોચ પર પણ ગયો છું જેથી અન્ય વિકલ્પો શોધી શકાય. ફસાયેલા લોકોને સલામત કાઢવા મહત્ત્વનું છે.’
રિલેટિવ્સને મદદ
દરમ્યાન ટનલમાં ફસાયેલા ૪૧ જેટલા મજૂરોનાં સગાંવહાલાંઓને એક સપ્તાહ સુધીનો અહીં સુધી આવવાનો પ્રવાસ, ભોજન અને રહેવાનો ખર્ચ ઉત્તરાખંડ સરકાર ઉઠાવશે. મજૂરોના રિલેટિવ કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરે એનું ધ્યાન સરકાર રાખશે. વળી ફસાયેલા મજૂરોની માનસિક હાલત સારી રહે એ માટે સાઇકિયાટ્રિસ્ટની સારવાર પણ પૂરી પાડવામાં આવી રહી છે.