22 December, 2025 07:11 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ફારુક અને તાહિરા
પત્ની પર ફાયરિંગ કર્યું ત્યારે એના અવાજથી બે દીકરીઓ જાગી ગઈ તો તેમને પણ મારી નાખી એટલો ક્રૂર
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પત્ની અને બે દીકરીઓનાં મર્ડર કરનારા ફારુકને પોલીસે જ્યારે પૂછપરછ માટે કડક સવાલો કર્યા ત્યારે પોલીસને ચોંકાવનારા જવાબો મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે તેણે પત્નીની હત્યા એટલા માટે કરી હતી કેમ કે તે એક મહિના પહેલાં બુરખો પહેર્યા વિના પોતાના પિયર ગઈ હતી. તે નહોતો ઇચ્છતો કે પત્નીનો ચહેરો કોઈ પણ જુએ. તેણે પત્નીનું આધાર કાર્ડ પણ એટલે જ નહોતું બનાવ્યું, કેમ કે એમાં બુરખા વિનાની તસવીર વાપરવી પડે. પત્ની તાહિરા છેલ્લાં ૧૮ વર્ષથી બુરખો જ પહેરતી હતી અને તેને કદી બુરખા વિના બહાર જવાની કે ફોટો પડાવવાની પરવાનગી નહોતી.
ફારુક અને તાહિરાને ૧૪થી લઈને પાંચ વર્ષની ઉંમરનાં પાંચ સંતાનો છે. ફારુકે પત્નીને મારીને એક દીકરીને પણ ગોળી મારી દીધી હતી અને બીજી દીકરીનું ગળું દબાવી દીધું હતું.
ફારુક શાદીમાં ખાવાનું બનાવવાનું કામ કરે છે. એક રાતે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે પત્ની બુરખો પહેર્યા વિના પિયર ગઈ હતી. તાજેતરમાં થોડા દિવસથી તાહિરા અને તેનાં બે સંતાનો જોવા ન મળતાં ફારુકના સસરા દાઉદે તેને પૂછ્યું કે તેની દીકરી અને બે દોહિત્રીઓ ક્યાં છે? પહેલાં તો તેણે જવાબ આપવાનું ટાળ્યું અને પછી જુઠ્ઠું કહ્યું કે એ ત્રણેયને બીજા ગામમાં રૂમ અપાવીને ત્યાં રહેવા મોકલી દીધાં છે. ફારુકના સસરાને જ્યારે શંકા ગઈ ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કડક પૂછપરછ કરી એમાં ખબર પડી હતી કે તેણે પત્ની અને બે દીકરીઓને મારી નાખી હતી. ૧૦ ડિસેમ્બરની રાતે તાહિરાને પતિએ ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળીને એક દીકરી જાગી ગઈ તો તેને પણ મારી નાખી. એ જ વખતે બીજી દીકરી પણ કિચનમાં આવી પહોંચી તો તેણે તેનું ગળું દબાવી દીધું.