29 August, 2024 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારની કૅબિનેટે નવી મીડિયા પૉલિસીને મંજૂરી આપી છે જેમાં મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને તેમની પોસ્ટમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાહેરાત કરવા માટે નાણાં આપવામાં આવશે. જોકે અનુચિત, અભદ્ર અને રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરનારા કન્ટેન્ટ બનાવનારાઓને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર એની નીતિઓની કન્ટેન્ટ ટ્વીટ, વિડિયો અને રીલ્સ દ્વારા પ્રમોટ કરવા માટે એજન્સીઓ અને ઇન્ફ્લુઅન્સર્સનું લિસ્ટ તૈયાર કરશે. આ ઇન્ફ્લુઅન્સર્સ સરકારની યોજનાઓને ઍક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરશે. આ યોજનાનો લાભ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીને મળશે જે ભલે રાજ્યમાં કે ભારતના બીજા પ્રદેશમાં રહેતો હોય અથવા વિદેશમાં પણ રહેતો હોય.
કેટલી મળશે સૅલેરી?
ઇન્ફ્લુઅન્સર્સને તેમના ફૉલોઅર્સના આધારે ચાર કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કૅટેગરી અનુસાર ઉત્તર પ્રદેશ સરકારની વિવિધ યોજનાની ઍક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર જાહેરાત કરવા માટે ઇન્ફ્લુઅન્સરોને દર મહિને પાંચ લાખ, ચાર લાખ, ત્રણ લાખ અને બે લાખ રૂપિયાની સૅલેરી આપવામાં આવશે. યુટ્યુબ પર વિડિયો, શૉર્ટ્સ કે પોડકાસ્ટ દ્વારા આ કામ કરનારને આઠ લાખ, સાત લાખ, છ લાખ અને ચાર લાખ રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. આ નીતિ હેઠળ કન્ટેન્ટ તૈયાર કરનારા સામે કાનૂની કાર્યવાહીની પણ જોગવાઈ છે. જો કોઈ ઇન્ફ્લુઅન્સર આપત્તિજનક કન્ટેન્ટ મૂકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.