ગેંગરેપનો ભોગ બનેલી મહિલા પર ત્રીજી વાર ઍસિડ-અટૅક

03 July, 2017 04:20 AM IST  | 

ગેંગરેપનો ભોગ બનેલી મહિલા પર ત્રીજી વાર ઍસિડ-અટૅક



ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૪૫ વર્ષની મહિલા પર ઍસિડ ફેંકવામાં આવ્યો હતો. સામૂહિક બળાત્કાર પછી આઠ વર્ષમાં ચોથી વખત એ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એ મહિલા અલીગંજ વિસ્તારની હૉસ્ટેલમાં રહે છે. એ હૉસ્ટેલની પાસે શનિવારે રાતે સિક્યૉરિટી વચ્ચે તેના પર હુમલો થયો હતો. એ વખતે મહિલાની સાથે એક સિક્યૉરિટી ગાર્ડ અને કેટલીક કન્યાઓ હતી. એમાંથી હૉસ્ટલ વૉર્ડન કે ત્યાં રહેતી અન્ય કન્યાઓમાંથી કોઈએ ઍસિડ ફેંકનારને જોયો નથી.

લખનઉમાં એ મહિલા પર ઍસિડ ફેંકવામાં આવ્યા બાદ તે ચહેરા અને ગળા પર દાઝી ગયા પછી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે એ મહિલાની તબિયત સ્થિર હોવાનું હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના બાબતે પોલીસે હજી સુધી FIR નોંધ્યો નથી. પોલીસ-હુમલાનો ભોગ બનેલી મહિલાના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવવાની રાહ જુએ છે. પોલીસ તપાસ કરી રહી છે. અગાઉ એ મહિલા પર હુમલાના બનાવોના કેટલાક આરોપીઓને પોલીસે અટકાયતમાં લીધા છે. ઉત્તર પ્રદેશનાં મહિલા કલ્યાણ વિભાગનાં પ્રધાન રીટા બહુગુણાએ એને અત્યંત કમનસીબીભર્યો બનાવ ગણાવ્યો હતો.

સામૂહિક બળાત્કાર સહિત પાંચ વખત હુમલા સહન કરનારી એ મહિલાને ૨૦૧૨માં ચપ્પુ મારવામાં આવ્યું હતું. ચાર મહિના પહેલાં ૨૩ માર્ચે એ મહિલા અલાહબાદ-લખનઉ ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે બે માણસોએ તેને ઍસિડ પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ પછી મહિલા બોલી શકતી ન હોવાથી તેણે ચારબાગ સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને લેખિત ફરિયાદ કરી હતી. કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીની હૉસ્પિટલમાં એ દાઝેલી મહિલા સાથે કહેવાતો સેલ્ફી લેવા બદલ ત્રણ મહિલા કૉન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવી હતી. લખનઉ પાસે એ બનાવ બન્યા પછી ઘણો ઊહાપોહ થયો હતો. એ વખતે હૉસ્પિટલમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એ મહિલાની મુલાકાત લઈને સરકાર તરફથી એક લાખ રૂપિયાની મદદ જાહેર કર્યા બાદ પોલીસે તેની સિક્યૉરિટીની વ્યવસ્થા કરી હતી. એ મહિલા પર હુમલાની શરૂઆત ૨૦૦૯માં કરવામાં આવી હતી. લખનઉથી ૧૦૦ કિલોમીટર દૂર ઉંછનાર ગામમાંની મિલકત માટેના ઝઘડામાં ૨૦૦૯માં એ મહિલા પર બળાત્કાર સાથે હુમલાની પરંપરા શરૂ થઈ હતી. ત્યાર પછી ૨૦૧૨માં ચપ્પુ માર્યા બાદ ૨૦૧૩માં ઍસિડ ફેંકવામાં આવ્યો હતો.

અટૅકનો સિલસિલો


૨૦૦૯ - સામૂહિક બળાત્કાર

૨૦૧૨ - ચાકુથી વાર

૨૦૧૩ - ઍસિડ ફેંકાયો

માર્ચ-૨૦૧૭ - ટ્રેનમાં ઍસિડ પીવડાવ્યો

જુલાઈ-૨૦૧૭ - ચહેરા અને ગળા પર ઍસિડ ફેંકાયો