કોરોના રસીના વધુ ડોઝ મોકલવા કેરલાની કેન્દ્ર સરકારને વિનંતી

22 February, 2021 12:19 PM IST  |  Mumbai | Agencies

કોરોના રસીના વધુ ડોઝ મોકલવા કેરલાની કેન્દ્ર સરકારને વિનંતી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

કેરલા સરકારે રાજ્યમાં કોવિડ-19 વૅક્સિનના વધુ ડોઝ મોકલવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવા સાથે વૅક્સિન લેવાની તક ચૂકી ગયેલા હેલ્થ વર્કર્સને ફરીથી વૅક્સિન મેળવવા નામ નોંધાવવાની મંજૂરી માગી છે. કેરલાના આરોગ્યપ્રધાન કે. કે. શૈલેજાએ આ સંદર્ભે કેન્દ્રના આરોગ્યપ્રધાન હર્ષવર્ધનને પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે દક્ષિણી રાજ્યોમાં મોટા ભાગના હેલ્થ વર્કર્સે વૅક્સિનેશન માટે નિર્દિષ્ટ સમયમાં પોતાનું નામ નોંધાવ્યું હતું એ છતાં જે લોકો નામ નોંધાવી શક્યા નથી તેમને વધુ એક તક આપવી જોઈએ.
અગ્રીમતાની યાદીમાં ત્રીજા ક્રમે આવતા ૫૦ વર્ષ કરતાં વધુ વયના લોકોના વૅક્સિનેશન માટે કેન્દ્ર સરકારે વધુ રસી પૂરી પાડવી જોઈએ એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. કેરલામાં ૫૦ વર્ષ કરતાં વધુ વયના લોકોની સંખ્યા વધુ હોવાનું જણાવતાં કેરલાના આરોગ્યપ્રધાને કેન્દ્ર સરકારને તેમના રજિસ્ટ્રેશન અને વૅક્સિનેશન માટે તત્કાળ માર્ગદર્શિકા બહાર પાડવા તેમ જ પર્યાપ્ત માત્રામાં રસી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો. કેરલા રાજ્યમાં અત્યાર સુધીમાં ૩,૩૬,૩૨૭ હેલ્થ વર્કર્સ (સુધારિત અંદાજના ૯૪ ટકા) અને ૫૭,૫૬૮ ફ્રન્ટલાઇન વર્કર્સ (૩૮ ટકા)એ રસીનો પ્રથમ ડોઝ અને ૨૩,૭૦૭ હેલ્થ વર્કર્સે રસીનો બીજો ડોઝ મેળવ્યો છે.

national news kerala coronavirus