વિપક્ષે રાજ્યસભાને માથે લીધી : સરકારી સબસિડી માટે આધાર કાર્ડ ફરજિયાત શું કામ?

29 July, 2016 06:01 AM IST  | 

વિપક્ષે રાજ્યસભાને માથે લીધી : સરકારી સબસિડી માટે આધાર કાર્ડ ફરજિયાત શું કામ?


વિરોધ પક્ષોએ એકજૂટ થઈ ગઈ કાલે રાજ્યસભામાં LPG અને પેન્શન જેવા સરકારી ફાયદાઓ મેળવવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરવાના સરકારના ઇરાદાનો જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષના આક્રમક રૂપને કારણે રાજ્યસભાની કાર્યવાહી ત્રણ વાર મોકૂફ રાખવામાં આવી હતી.

સૌથી પહેલાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ૧૫ મિનિટ માટે અને છેલ્લે બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી મોકૂફ રહી હતી. ત્યાર બાદ પણ વિરોધ પક્ષોનો વિરોધ ચાલુ રહ્યો હતો.

 વિરોધ પક્ષો તૃણમૂલ કૉન્ગેસ, બીજુ જનતા દલ અને સમાજવાદી પાર્ટીએ આ મુદ્દાની ચર્ચા કરવા કામકાજ મોકૂફ રાખવાની નોટિસો આપી હતી જેને લેફ્ટ પાર્ટીઓ અને કૉન્ગ્રેસે ટેકો આપ્યો હતો. જોકે રાજ્યસભાના ચૅરમૅને આ નોટિસો ફગાવી દીધી હતી.

દરમ્યાન સરકારે સ્પષ્ટીકરણ આપ્યું હતું કે નાગરિકોને આપવામાં આવેલા યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) અથવા આધાર કાર્ડ સરકારી ફાયદાઓ મેળવવા  ફરજિયાત નથી અને આ વિશે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ એનાથી વિરોધ પક્ષોને સંતોષ ન થતાં તેઓ સદનના વેલમાં ધસી ગયા હતા અને બપોર સુધી કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી.

કાર્યવાહી ફરી શરૂ થતાં સમાજવાદી પાર્ટીના એક સભ્યે વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘સરકારે રાજ્ય સરકારોને એવી સૂચના આપી છે કે આધાર કાર્ડ ન ધરાવતા નાગરિકોને રૅશનકાર્ડના ફાયદાઓ અને સબસિડીવાળાં LPG સિલિન્ડરો આપવા બંધ કરવાં. દેશની લગભગ ૪૦ ટકા વસ્તી પાસે આધાર કાર્ડ નથી અને આ પગલાથી ગરીબોને મુશ્કેલી ઊભી થશે.’