સીબીઆઇને દૂર રાખવાની બહનજીની જોરદાર ચાલાકી

11 October, 2012 06:13 AM IST  | 

સીબીઆઇને દૂર રાખવાની બહનજીની જોરદાર ચાલાકી



યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવા વિશે બીએસપીએ સસ્પેન્સ યથાવત્ રાખ્યું છે. ગઈ કાલે મળેલી બીએસપીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ટેકો પાછો ખેંચવો કે નહીં તેનો નિર્ણય સર્વાનુમતે માયાવતી પર છોડવામાં આવ્યો હતો. બાદમાં માયાવતીએ પત્રકારોને કહ્યું હતું કે આ બાબતે બહુ મોડું નહીં કરવામાં આવે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેની તમને જાણ કરી દેવામાં આવશે. માયાવતીએ જોકે પાર્ટીના કાર્યકર્તાઓને વહેલી ચૂંટણી માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. નિર્ણય મોકૂફ રાખવાના માયાવતીના પગલાને કેન્દ્ર સરકાર પર પ્રેશર લાવવાનો વ્યૂહ માનવામાં આવે છે, કારણ કે મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સીબીઆઇને માયાવતી સામે તપાસ કરવાની છૂટ આપી હતી.

ગઈ કાલે લખનઉમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથેની બેઠક બાદ માયાવતીએ કહ્યું હતું કે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવો કે નહીં તેનો નિર્ણય લોકોના હિતમાં તથા પાર્ટીની વિચારસરણી અનુસાર લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સરકારને ટેકો પાછો ખેંચવાનો માયાવતીનો નિર્ણય એ વાત પર આધાર રાખે છે કે સીબીઆઇ કોર્ટના નિર્દેશનું પાલન કરીને તેમની સામે પગલાં ભરે છે કે નહીં? તૃણમૂલ કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચ્યા બાદ હવે યુપીએ સરકારને ટકવા માટે બીએસપી તથા સમાજવાદી પાર્ટીનો ટેકો જરૂરી છે. આ બન્ને પાર્ટીઓ લોકસભામાં અનુક્રમે ૨૧ અને ૨૨ સભ્યો ધરાવે છે.

માયાવતીના સપોર્ટ માટે સીબીઆઇનો દુરુપયોગ કરે છે સરકાર : બીજેપી

બીજેપીએ ગઈ કાલે યુપીએ સરકાર પર સપોર્ટ મેળવવા માટે સીબીઆઇનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે માયાવતી અને મુલાયમ સિંહની પાર્ટીનો ટેકો મેળવવા સરકાર તેમના પર સીબીઆઇ તપાસની તલવાર લટકતી રાખવા માગે છે. હુસૈને કહ્યું હતું કે માયાવતી અને મુલાયમ સિંહ સામેના ભ્રષ્ટાચારના કેસોની તપાસ શરૂ કરવાની ધમકી આપીને સરકાર તેમનો ટેકો મેળવી રહી છે. એક તરફ રીટેલમાં એફડીઆઇના નિર્ણયનો વિરોધ અને બીજી તરફ સરકારને ટેકો ચાલુ રાખવો આ બન્ને વિરોધાભાસનું કારણ આપવાની માયાવતી-મુલાયમ સિંહની ફરજ બને છે.

બીજેપીએ દાવો કર્યો હતો કે તપાસની તલવાર લટકતી રાખીને સપોર્ટ મેળવવાના વ્યૂહ છતાં પણ યુપીએ સરકાર તેનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં.