એફડીઆઇના મુદ્દે મળેલી ઑલ પાર્ટી મીટિંગ નિષ્ફળ

27 November, 2012 06:17 AM IST  | 

એફડીઆઇના મુદ્દે મળેલી ઑલ પાર્ટી મીટિંગ નિષ્ફળ



મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે ગઈ કાલે સતત ત્રીજા દિવસે સંસદ ઠપ રહી હતી. આ મુદ્દે કાલે મળેલી ઑલ પાર્ટી મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. જોકે એફડીઆઇને મુદ્દે વિરોધ પક્ષોમાં મતભેદ સર્જાયો છે, જે આડકતરી રીતે સરકાર માટે રાહતના સમાચાર છે. ઑલ પાર્ટી મીટિંગમાં યુપીએ સરકારને બહારથી ટેકો આપતી સમાજવાદી પાર્ટી અને બીએસપીએ સંસદમાં એફડીઆઇ પરની ચર્ચામાં વોટિંગનો આગ્રહ રાખ્યો ન હતો.

આશ્ચર્યજનક રીતે તૃણમૂલ કૉન્ગ્રેસે પણ આ જ વલણ અપનાવ્યું હતું. આ તરફ એનડીએ અને ડાબેરી પાર્ટીઓ વોટિંગની જોગવાઈ ધરાવતા નિયમ હેઠળ એફડીઆઇના મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યા છે. આમ વિરોધ પક્ષમાં મતભેદને કારણે બેઠક નિષ્ફળ નીવડી હતી. યુપીએના મહત્વના સાથી પક્ષ ડીએમકેએ પણ આ મુદ્દ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું ન હતું. આ ઘટનાક્રમને પગલે હવે આગામી દિવસોમાં પણ એફડીઆઇના મુદ્દે સંસદ ચાલે એવી કોઈ શક્યતા જણાતી નથી. ગઈ કાલે પણ સતત ત્રીજા દિવસે આ મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે સંસદમાં ચાલી શકી ન હતી.