કોઈ પણ ઘડીએ આવી શકે છે ચૂંટણી તૈયાર રહેવા બીજેપીપ્રમુખની તાકીદ

27 September, 2012 05:37 AM IST  | 

કોઈ પણ ઘડીએ આવી શકે છે ચૂંટણી તૈયાર રહેવા બીજેપીપ્રમુખની તાકીદ



હરિયાણાના સૂરજકુંડમાં ગઈ કાલથી શરૂ થયેલી બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના પહેલા દિવસે ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતાં પાર્ટીના પ્રમુખ નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી ગમે ત્યારે આવી શકે છે એમ જણાવીને નેતાઓને તૈયાર રહેવાની તાકીદ કરી હતી.

કારોબારીની બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, વેન્કૈયા નાયડુ અને રાજનાથ સિંહ સહિતના બીજેપીના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે નાદુરસ્ત તબિયત હોવાથી સુષમા સ્વરાજ હાજર રહ્યાં નહોતાં. 

ગડકરીની નેતાઓને અપીલ

ગડકરીએ પાર્ટીના નેતાઓને હૃદયને વિશાળ બનાવીને એક થવા તથા લક્ષ્ય હાંસલ કરવા માટે મચી પડવાની હાકલ કરી હતી. એ પછી પત્રકારો સાથે વાત કરતાં બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે બીજેપી ચૂંટણી માટે તૈયાર છે, જો એક મહિનામાં ચૂંટણી યોજાય તો પણ પાર્ટી તૈયાર છે. પ્રસાદે એમ પણ કહ્યું હતું કે જો યુપીએ સરકાર પડી ભાંગશે તો બીજેપી એને બચાવવાનો કોઈ પ્રયાસ કરશે નહીં.

ચૂંટણી માટે નક્કી થયા નારા

કારોબારીની બેઠકમાં બીજેપીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટેના નારાને મંજૂરી આપી હતી. પાર્ટીએ ગુજરાત માટે ‘સૌનો સાથ સૌનો વિકાસ’ તથા હિમાચલ પ્રદેશ માટે ‘કહો દિલ સે બીજેપી ફિર સે’ સૂત્ર ફાઇનલ કર્યું હતું. ગુજરાત માટેનો નારો નરેન્દ્ર મોદીએ રચેલો છે.

રીટેલમાં એફડીઆઇનો વિરોધ ચાલુ રહેશે

બીજેપીએ મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરીના સરકારના નર્ણિયનો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં, પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો હતો કે જો કેન્દ્રમાં સત્તા પર આવશે તો એ એફડીઆઇનો નર્ણિય રદ કરશે. ગઈ કાલે બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રીટેલમાં એફડીઆઇ દેશના ખેડૂતોના હિતમાં નથી.