યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી

24 May, 2020 12:54 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી

ઉત્તર પ્રદેશ પોલીસની પાસે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકીવાળો મેસેજ આવ્યો છે. ૧૧૨ના હેલ્પડેસ્કના વૉટ્‌સએપ નંબર પર ધમકીભર્યો આ મેસેજ આવ્યો છે. તેમાં મુખ્ય પ્રધાન યોગીને બૉમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી છે. મામલાની લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ ફરિયાદ નોંધાયા બાદ કેસની તપાસ યુપી એસટીએફને સોંપવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે ૮૮૨૮૪૫૩૩૫૦ મોબાઇલ નંબર ઉપરથી આ ધમકીવાળો મેસેજ આવ્યો છે. અજાણી વ્યક્તિ અને મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરી ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળ્યું છે કે ૨૧ મેની રાત્રે ૧૨.૩૨ વાગ્યે આ ધમકીભર્યો વૉટ્‌સએપ મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગીને બૉમ્બથી મારવાનો છું, મુસલમાનોની જાનનો દુશ્મન છે તે. તેની પ્રારંભિક તપાસ બાદ ઇન્સ્પેક્ટર ગોમતીનગર તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આઇપીસીની કલમ ૫૦૫ (૧), ૫૦૬ અને ૫૦૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાજસ્થાન સરકારે યોગી સરકારને મોકલ્યું ૩૬ લાખ રૂપિયાનું બિલ

બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે બસ રાજકારણ બીજા તબક્કામાં પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશ સરકારને ૧૦૦૦ બસ આપવાના કૉન્ગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવ પર હવે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કૉન્ગ્રેસ સરકારે ઉત્તર પ્રદેશ સરકારને ૩૬.૩૬ લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. આ બિલ કોટાથી લાવવામાં બાળકો માટે ૭૦ બસ ઉપલબ્ધ કરાવવાનું છે.

આ બિલ વિદ્યાર્થીઓના નામથી મોકલવામાં આવ્યું છે જેમને રાજસ્થાન પરિવહનની બસો દ્વારા કોટાથી ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા. ગેહલોત સરકારે બિલ મોકલીને તાત્કાલિક ચુકવણી કરવા જણાવ્યું છે.

લૉકડાઉન દરમ્યાન કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવા માટે ઉત્તર પ્રદેશ સરકારે કેટલીક બસો રાજસ્થાન મોકલી હતી પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી રાજસ્થાન સરકારે પોતાની કેટલીક બસો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી. રાજસ્થાન સરકારે ઉત્તર પ્રદેશ સરકારને કુલ ૩૬,૩૬,૬૬૪ રૂપિયાનું બિલ મોકલ્યું છે.

national news uttar pradesh rajasthan yogi adityanath