12 November, 2025 11:54 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ડૉ. શાહીન શાહિદ, મસૂદ અઝહર
હરિયાણાના ફરીદાબાદમાં મળેલા વિસ્ફોટકોના મામલામાં ડૉ. શાહીન શાહિદની ધરપકડ : ભારતમાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા મહિલા આતંકવાદીઓની ભરતી કરવાની કામગીરી તેને સોંપવામાં આવી હતી
ભારતમાં ફરીદાબાદ મૉડ્યુલના આતંકવાદીઓની ધરપકડમાં પોલીસે લખનઉની મહિલા ડૉક્ટર શાહીન શાહિદની ધરપકડ કરી છે. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી છે. તેને ભારતમાં મહિલા આતંકવાદીઓની ભરતી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીઓને પહેલાં જ જાણ હતી કે જૈશ-એ-મોહમ્મદ મહિલાઓને આતંકના રસ્તે લાવી રહ્યું છે. દિલ્હીથી ૪૫ કિલોમીટર દૂર આવેલા હરિયાણાના ફરીદાબાદમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો એ સંબંધમાં શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી.
અલગ વિંગ બનાવી
જૈશ-એ-મોહમ્મદે આ માટે એક અલગ વિંગ બનાવી છે અને એનું નામ જમાત ઉલ-મોમિનાત રાખવામાં આવ્યું છે. એનું નેતૃત્વ પાકિસ્તાનમાં બેસેલા ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરે છે. સાદિયાના પતિ યુસુફ અઝહરનો ખાતમો ઑપરેશન સિંદૂરમાં કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે કંદહાર વિમાન અપહરણ કેસમાં તે સામેલ હતો. હવે તેની પત્ની આતંકવાદની દુનિયામાં મહિલાઓને સામેલ કરી રહી છે.
કોણ છે શાહીન શાહિદ?
શાહીન શાહિદ લખનઉના લાલબાગની રહેવાસી છે અને કથિત રીતે અલ-ફલાહ યુનિવર્સિટીની મેમ્બર છે. તે કાશ્મીરી ડૉ. મુઝમ્મિલ ગનઇ ઉર્ફે મુસૈબની નજીકની સાથી માનવામાં આવે છે. તેની કારમાંથી AK47 રાઇફલ મળી આવી છે. પાકિસ્તાનના બહાવલપુરમાં ૮ ઑક્ટોબરે જૈશ-એ-મોહમ્મદ દ્વારા આતંકી ગતિવિધિઓ માટે મહિલાઓની ભરતી કરવાનું એલાન થયું હતું અને ભારતમાં એની કામગીરી શાહીન શાહિદને સોંપવામાં આવી હતી. પોલીસતપાસમાં જાણકારી મળી હતી કે જે કારમાંથી રાઇફલો, પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યાં હતાં એ ફરીદાબાદનો HR 51 કોડ ધરાવતી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર શાહીન શાહિદની હતી.
શિસ્તનું પાલન નહોતી કરતી
હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે ‘શાહીન શાહિદની ધરપકડથી તે શું કરી રહી હતી એ સ્પષ્ટ થઈ ગયું છે. યુનિવર્સિટીમાં તે કદી શિસ્તનું પાલન કરતી નહોતી. તે કોઈને જાણ કર્યા વિના જતી રહેતી હતી. ઘણા લોકો કૉલેજમાં તેને મળવા આવતા હતા. તેનું વર્તન વિચિત્ર રહેતું હતું. તેની વિરુદ્ધ મૅનેજમેન્ટને પણ ફરિયાદો કરવામાં આવી હતી.’