25 April, 2026 09:13 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
આરોપીઓ
ઉત્તર પ્રદેશ ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ નોએડાથી પાકિસ્તાની ગૅન્ગસ્ટરો અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કામ કરવાના અને ભારત વિરોધીપ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં મેરઠના રહેવાસી તુષાર ચૌહાણ ઉર્ફે હિજબુલ્લાહ ખાન અને દિલ્હીના રહેવાસી સમીર ખાનનો સમાવેશ છે. તેઓ પાકિસ્તાન સ્થિત ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા. તેમની પાસેથી એક પિસ્તોલ, પાંચ કારતૂસ, એક છરી અને બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
તેમની ધરપકડ પછી બહાર આવ્યું હતું કે સોશ્યલ મીડિયા દ્વારા તેઓ પાકિસ્તાન અને ISI સાથે જોડાયેલા ગૅન્ગસ્ટર નેટવર્કના સંપર્કમાં હતા અને ભારતમાં સ્લીપર સેલ સ્થાપવાની તથા હિંસક કૃત્યો આચરવાની યોજના બનાવી રહ્યા હતા. આ નેટવર્ક યુવાનોને લલચાવીને અને કટ્ટરપંથી બનાવીને દેશમાં અસ્થિરતા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યું હતું. શહઝાદ ભટ્ટી, આબિદ જાટ અને કેટલાક કટ્ટરપંથી પાકિસ્તાની યુટ્યુબર્સની ભૂમિકા પણ આ નેટવર્કમાં જાહેર થઈ છે જે ભારતીય યુવાનોને નિશાન બનાવીને તેમને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા.
સમીર ખાન એન્ક્રિપ્ટેડ ચૅનલો દ્વારા આ નેટવર્ક સાથે જોડાયેલો હતો અને તેને નવા સભ્યોની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ એક સંગઠિત મૉડ્યુલ હતું જે ધીમે-ધીમે ભારતમાં એનો પગપેસારો વિસ્તરી રહ્યું હતું.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓને સંવેદનશીલ સ્થળોની જાસૂસી કરવાનું, પસંદગીની વ્યક્તિઓનાં ઘરો પર ગ્રેનેડ ફેંકવાનું અને ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમને ૫૦,૦૦૦ રૂપિયાની પ્રી-પેઇડ ચુકવણી અને ત્યાર બાદ ૨.૫ લાખ રૂપિયાની ચુકવણીની ઑફર કરવામાં આવી હતી. તેમને વધુ તાલીમ માટે દુબઈ થઈને પાકિસ્તાન જવાની પણ ઑફર કરવામાં આવી હતી.