UP Assembly Polls: હાઇટમાં ભારતની ‘સૌથી ઊંચી વ્યક્તિ’ સપામાં જોડાઈ, જાણો વિગત

23 January, 2022 02:10 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

ભારતના સૌથી ઊંચા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP)માં જોડાયા છે.

ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ. તસવીર/પલ્લવ પાલીવાલ

ભારતના સૌથી ઊંચા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP)માં જોડાયા છે. “પ્રતાપગઢના ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે એસપીની નીતિઓ અને અખિલેશ યાદવના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને સપાનું સભ્યપદ મેળવ્યું છે.” પાર્ટીના એક નિવેદનમાં જણાવાયું છે.

૪૬ વર્ષીય ધર્મેન્દ્ર પ્રતાપ સિંહની ઊંચાઈ 8 ફૂટ અને 2 ઇંચ છે. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે અને તેમને એશિયાના સૌથી ઊંચા પુરુષોમાંના એક ગણવામાં આવે છે. પ્રતાપગઢ જિલ્લાના નરહરપુર કાસિયાહી ગામના રહેવાસી ધર્મેન્દ્રએ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તે પોતાના માટે નોકરી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ધર્મેન્દ્ર રોજગાર શોધવામાં સંઘર્ષ કરે છે અને તેમની ઊંચાઈને કારણે તેને વળવામાં પણ સમસ્યા છે. તેમની પાસે કોઈ નોકરી નથી અને તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. “જ્યારે હું નોકરી માટે પૂછું છું ત્યારે લોકો મને ગંભીરતાથી લેતા નથી. તેઓને લાગે છે કે હું મારી ઊંચાઈથી પૈસા કમાઈ શકું છું. આવા જ કારણોસર હું લગ્ન કરી શક્યો નથી.” તેમણે કહ્યું હતું.

ધર્મેન્દ્રએ કહ્યું કે તે તેની ઊંચાઈને કારણે કમરથી નીચે હિપમાં દુખાવો અનુભવે છે અને રોજિંદા કાર્યોને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. તેણે લખનૌમાં એક ડૉક્ટરની સલાહ લીધી હતી જેમણે ઓપરેશનનું સૂચન કર્યું હતું.

તેમની પાસે પૈસા ન હોવાથી અને કોઈ રોજગાર ન હોવાથી, ધર્મેન્દ્રએ મદદ માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તરફ વળ્યા હતા અને પછીથી 2019માં દ્વિપક્ષીય હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી.

national news