17 December, 2025 10:37 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાનપુરમાં વહેલી સવારે ફૉગને કારણે દિવસે પણ વાહનો હેડલાઇટ સાથે નજરે પડ્યાં હતાં.
છેલ્લા ચાર દિવસથી ધુમ્મસને કારણે ઉત્તર ભારતનાં રાજ્યોમાં હાઇવેઝ અને એક્સપ્રેસવે પર પણ વિઝિબિલિટી ૫૦ મીટર જેટલી થઈ ગઈ હોવાથી એક પછી એક અકસ્માત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, અયોધ્યા જેવાં ૩૫ શહેરોમાં મંગળવારે સવારે ધુમ્મસ એટલું ઘેરું હતું કે રોડ પર ૧૦ મીટર દૂર સુધીનું વિઝન પણ સ્પષ્ટ નહોતું દેખાતું. ગઈ કાલની મથુરાની ઘટના ઉપરાંત ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દિવસમાં અલગ-અલગ રોડ-અકસ્માતમાં લગભગ ૧૧૦ ગાડીઓ એકમેક સાથે અથડાઈ હતી જેમાં ૧૫ લોકોનાં મૃત્યુ થયાં છે.
ગઈ કાલે રાજસ્થાનના જેસલમેરમાં પણ સ્કૂલબસ અને કારની ટક્કર થતાં ૧૨ લોકો ઘાયલ થયા હતા. અલવર અને શ્રીગંગાનગરમાં એક તબક્કે પાંચ મીટરની વિઝિબિલિટી પણ મુશ્કેલ હતી. રાજસ્થાનનાં ૨૦ શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.
મધ્ય પ્રદેશના મેદાની વિસ્તારોમાં ગઈ કાલે વહેલી સવારથી ૮ વાગ્યા સુધી માત્ર ૫૦ મીટર સુધીનું વિઝન માંડ દેખાતું હતું. બિહારના બક્સરમાં વિઝિબિલિટી ખૂબ ઓછી હોવાથી વહેલી સવારે ત્રણ રોડ પર રિક્ષા અને કાર વચ્ચે ટકરાવ થયો હતો, પણ એમાં જાનમાલને કોઈ નુકસાન નહોતું થયું.