ઉન્નાવ પીડિતાનું મોત અત્યંત દુખદ, કેસ ફાસ્ટ ટ્રૅક પર ચાલશે : યોગી

08 December, 2019 11:15 AM IST  |  Uttar Pradesh

ઉન્નાવ પીડિતાનું મોત અત્યંત દુખદ, કેસ ફાસ્ટ ટ્રૅક પર ચાલશે : યોગી

(જી.એન.એસ.) ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉન્નાવ ગૅન્ગરેપ પીડિતાના મોતને અત્યંત દુઃખદ ગણાવતાં ઉમેર્યું હતું કે પીડિતાનો કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવાશે અને તમામ આરોપીઓને કડક સજા કરવામાં આવશે. દરમ્યાન, કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી ઉન્નાવ પીડિતાના પરિવારને તેમના ઘરે જઈને મળ્યાં હતાં.

યોગીએ જણાવ્યું હતું કે ગૅન્ગરેપની પીડિતાને સળગાવનાર તમામ આરોપીઓ ઝડપાઈ ગયો છે અને આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવાશે તેમ જ આરોપીઓને સજા કરવામાં આવશે. પીડિતાએ ગઈ કાલે દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા. પીડિતા ગૅન્ગરેપ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે જઈ રહી હતી એ જ વખતે જામીન પર છૂટેલા આરોપીઓએ તેને આંતરી હતી અને જીવતી સળગાવી દીધી હતી. ૯૦ ટકા જેટલી દાઝી જવાથી તેને સૌપ્રથમ લખનઉ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ દિલ્હી સફદરગંજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેણે દમ તોડ્યો હતો.


મારી બહેનના હત્યારાઓને ફાંસીએ લટકાવી દો : ભાઈ
ઉન્નાવના દર્દનાક રેપકાંડ બાદ પીડિતાને કોર્ટમાં લઈ જતી વખતે આંતરીને જીવતી સળગાવનાર નરાધમોને કડક સજા કરવાની માગણી પીડિતાના ભાઈએ કરી છે. બહેનના મોત બાદ ભાઈએ જણાવ્યું કે મારી બહેનને ત્યારે જ ન્યાય મળ્યો ગણાશે જ્યારે આરોપીઓને એ સ્થાને મોકલાશે જ્યાં મારી બહેન જતી રહી છે.

તેણે મને કહ્યું હતું કે ભાઈ, મને બચાવી લે. હું ખૂબ જ દુઃખી છું કે હું તેને બચાવી ન શક્યો. પીડિતાના ભાઈએ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવા અથવા ફાંસીએ લટકાવી દેવાની માગણી કરી હતી. તેણે કહ્યું કે આવા લોકોને જીવવાનો કોઈ જ અધિકાર નથી. ઉન્નાવ પીડિતાને ન્યાય અપાવવા માટે ભાઈએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું કે અમે હવે અહીંથી (દિલ્હીથી) બિહાર જઈશું. બહેનની લાશને આરોપીઓએ સળગાવી દીધી હોવાથી અમે હવે તેની દફનવિધિ જ કરીશું.

national news priyanka gandhi yogi adityanath