શું Unlock 3.0માં સિનેમા હૉલ અને જીમ ખુલશે?

26 July, 2020 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

શું Unlock 3.0માં સિનેમા હૉલ અને જીમ ખુલશે?

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા અનલૉક 2.0નો સમય પુરો થવા આવ્યો હોવાથી ગૃહ મંત્રાલયે અનલૉક 3.0ની સ્ટાર્ન્ડડ ઓપરેટિંગ પ્રોસિઝર શરૂ કરી છે. આ વખતે અનલૉક 3.0માં સિનેમા હૉલ અને જીમ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. સુચના પ્રસારણ મંત્રાલયે પહેલી ઓગસ્ટથી સિનેમા હૉલ ખોલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. સુચના મંત્રાલયની સિનેમા હૉલ માલિકો સાથે થોડા દિવસો પહેલા ચર્ચા થઈ છે. લગભગ 4 મહિનાથી સિનેમા હૉલ બંધ છે. તેથી સિનેમા હૉલ માલિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.

અનલૉક 1.0 અને અનલૉક 2.0માં બજાર, રેસ્ટોરાં અને મોલ કેટલાક નિયમો સાથે ખોલવામાં આવ્યા છે. ત્યારે અનલૉક 3.0માં સિનેમા હૉલ ખોલવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી સિનેમા હૉલના માલિકોએ સરકાર સમક્ષ કરી છે. તેમણે સરકાને વિનંતી કરી છે કેટલીક શરતો અને નિયમોના પાલન સાથે સિનેમા હૉલ ખોલવાની મજૂરી આપવામાં આવે. સિનેમા હૉલ માલિક 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવાના પક્ષમાં છે. જોકે, મંત્રાલયનું માનવું છે કે શરૂઆતમાં 25 ટકા સીટ સાથે સિનેમા હૉલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઈથી પાલન થાય. સિનેમા હૉલ માલિકોની સાથે થયેલી ચર્ચાના પ્રપોઝલને સુચના મંત્રાલયે ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે. જોકે, અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલયે લેવાનો છે.

સિનેમા હૉલની સાથે જિમ પણ ખોલવાનું પ્રપોઝલ ગૃહ મંત્રાલયની પાસે છે. શક્યતા છે કે જે રીતે સતત દિનચર્યાને સામાન્ય કરવામાં આવી રહી છે, તેવામાં કેટલીક શરતો અને સોશ્યલ ડિસટન્સિંગના નિયમો સાથે દેશભરમાં જિમ ખોલવાની મંજૂરી આ અનલૉક 3.0માં આપવામાં આવી શકે છે.

જિમ અને સિનેમા હૉલ ઉપરાંત અનલૉક 3.0માં રાજ્યોને વધુ કેટલીક છૂટ મળવાની સંભાવના છે. આ છૂટ કઈ હશે તે તો સમય જ જણાવશે. જોકે, 31 જૂલાઈ સુધીમાં ગૃહ મંત્રાલય દ્વારા અનલૉક 3.0ની ગાઈલાઈન્સ જાહેર કરી દેવામાં આવશે.

coronavirus covid19 national news