દેશમાં ૭ નવા હાઈ-સ્પીડ રેલવે કૉરિડોર બનશે- આગામી પાંચ વર્ષમાં ૨૦ નવા જળમાર્ગોનો પ્રસ્તાવ

02 February, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૉરિડોરનો હેતુ દેશભરનાં મુખ્ય આર્થિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક સેન્ટરોને જોડતી ઝડપી, પર્યાવરણીય રીતે ટકાઉ મુસાફરી પૂરી પાડવાનો છે

પ્રતીકાત્મક તસવીર

આ કૉરિડોરનો હેતુ દેશભરનાં મુખ્ય આર્થિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક સેન્ટરોને જોડતી ઝડપી, પર્યાવરણીય રીતે ટકાઉ મુસાફરી પૂરી પાડવાનો છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-’૨૭ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે ભારત ૭  નવા હાઈ-સ્પીડ રેલવે કૉરિડોર સાથે મુસાફરોની મુસાફરીમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આ કૉરિડોરનો હેતુ દેશભરનાં મુખ્ય આર્થિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક સેન્ટરોને જોડતી ઝડપી, પર્યાવરણીય રીતે ટકાઉ મુસાફરી પૂરી પાડવાનો છે. પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલવે રૂટ હેઠળ મુંબઈ-પુણે , પુણે-હૈદરાબાદ,  હૈદરાબાદ-બૅન્ગલોર,  હૈદરાબાદ-ચેન્નઈ,  ચેન્નઈ-બૅન્ગલોર,  દિલ્હી-વારાણસી,  વારાણસી-સિલિગુડી રેલવે કૉરિડોર વિકસાવવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે કૉરિડોર માટે ૬૧૦૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૫૦૮ કિલોમીટરનું અંતર આ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને માત્ર ૨ કલાક અને ૧૭ મિનિટમાં પૂરું કરશે.  

નિર્મલા સીતારમણે પર્યાવરણની રીતે ટકાઉ એવા રેલવે પૅસેન્જર પરિવહન પર સરકારના વલણ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે ‘આ કૉરિડોર ભારતનાં નાણાકીય કેન્દ્રો, ટેક્નૉલૉજી કેન્દ્રો, ઉત્પાદન ક્લસ્ટરો અને ઊભરતાં શહેરોને ઝડપી, સ્વચ્છ-પૉલ્યુશનફ્રી ટ્રાન્સપોર્ટથી જોડશે.’

સરપ્લસ જમીનનો ઉપયોગ 

સરકાર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) દ્વારા રેલવેની સરપ્લસ વધારાની જમીનો પર ઑલરેડી બાંધેલી જગ્યાને વેચીને તથા ભાડે, લીઝ પર આપીને આવક ઊભી કરવાનો ઇરાદો ધરાવે છે. ભારતીય રેલવે એની વિશાળ સરપ્લસ જમીનનું વેચાણ કરીને કે ભાડે આપીને માળખાગત સુવિધાઓ માટે આવક ઉત્પન્ન કરવા માટે REITsનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે જે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSEs) REITs માટેના પ્રસ્તાવ દ્વારા મજબૂત બનાવવામાં આવી છે. આમાં પુનઃ વિકસિત સ્ટેશનો, કમર્શિયલ જગ્યાઓ અને રેલવે કૉલોની જેવી આવક ઉત્પન્ન કરતી રેલવે સંપત્તિઓમાંથી REITs બનાવવાનો સમાવેશ થાય છે, એનાથી રોકાણકારો એકમો ખરીદી શકે છે અને ડિવિડન્ડ કમાઈ શકે છે. એનાથી હાઈ સ્પીડ કૉરિડોર અને સ્ટેશન આધુનિકીકરણ જેવા નવા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

રેલવે સર્વિસ પૂરી પાડીને ટૂરિઝમને પ્રોત્સાહન 

આ ઉપરાંત બજેટમાં ઇકો-ટૂરિઝમ અને પ્રકૃતિ-આધારિત મુસાફરીની પહેલનો પ્રસ્તાવ છે જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, અરાકુ અને પુડીગાઈ ખીણોમાં ટ્રેકિંગ ટ્રેલ્સનો સમાવેશ થાય છે. વન્યજીવન કેન્દ્રિત ટ્રેલ્સ પણ વિકસાવવામાં આવશે; જેમ કે ઓડિશા, કર્ણાટક અને કેરલામાં કાચબા-નિરીક્ષણ માર્ગો અને પુલિકટ તળાવની આસપાસ પક્ષી-નિરીક્ષણ માર્ગોને પણ ડેલવપ કરવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં ૨૦ નવા જળમાર્ગોનો પ્રસ્તાવ

બજેટ ૨૦૨૬-’૨૭ની રજૂઆત દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પર્યાવરણીય રીતે કાર્ગોની હેરફેરને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે પૂર્વમાં પશ્ચિમ બંગાળના ડંકુનીથી પશ્ચિમમાં ગુજરાતના સુરત સુધી નવા સમર્પિત ફ્રેટ કૉરિડોરનો પ્રસ્તાવ મૂક્યો હતો. આગામી પાંચ વર્ષમાં ૨૦ નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે. આની શરૂઆત ઓડિશામાં પાંચ રાષ્ટ્રીય જળમાર્ગો શરૂ થવાથી થશે. તાલચેર અને અંગુલના ખનિજ-સમૃદ્ધ વિસ્તારો અને કલિંગનગર જેવાં ઔદ્યોગિક કેન્દ્રોને પારાદીપ અને ધામરા બંદરો સાથે જોડવામાં આવશે. આ જાહેરાતનો હેતુ આંતરિક જળમાર્ગોનો ઉપયોગ વધારવાનો છે.

નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં પૂર્વમાં પશ્ચિમ બંગાળના ડંકુની અને પશ્ચિમમાં સુરતને જોડતા નવા સમર્પિત ફ્રેટ કૉરિડોરની જાહેરાત કરી હતી. આ પહેલનો હેતુ પર્યાવરણને અનુકૂળ કાર્ગો-પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનામાં આગામી પાંચ વર્ષમાં ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગો શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. પટના અને વારાણસીમાં જહાજ સમારકામ સુવિધા માટેની યોજનાઓ પણ ચાલુ રહેશે.

જળમાર્ગો ડંકુનીથી સુરત સુધી માલનું પરિવહન કરશે, જે પૂર્વ અને પશ્ચિમ ભારતનાં ઔદ્યોગિક કેન્દ્રોને જોડશે. ડંકુનીને લૉજિસ્ટિક્સ હબ તરીકે ઓળખવામાં આવશે અને સુરત કાપડ અને હીરાઉદ્યોગ માટે એક મુખ્ય કેન્દ્ર બનશે. આ કૉરિડોર માલ-પરિવહનને ઝડપી અને સસ્તું બનાવશે તથા પરિવહન-ખર્ચ ઘટાડશે.

national news india union budget nirmala sitharaman indian economy indian government finance news finance ministry mumbai transport