હલવા સેરેમની સાથે બજેટ ૨૦૨૧-૨૨ આખરી તબક્કામાં

24 January, 2021 12:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હલવા સેરેમની સાથે બજેટ ૨૦૨૧-૨૨ આખરી તબક્કામાં

કેન્દ્રીય બજેટના ‘હલવા સેરેમની’ દરમ્યાન રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ સિંહ સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (તસવીર: પી.ટી.આઇ.)

અંદાજપત્ર બનાવવાની પ્રક્રિયાનો આખરી તબક્કો એવો હલવા સમારોહ શનિવારે બપોરે નોર્થ બ્લોકમાં કેન્દ્રીય નામાં અને કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પરંપરાગત રીતે દર વર્ષે બજેટની તૈયારીની ‘લોક-ઇન’ પ્રક્રિયા હાથ ધરાય તે પહેલાં હલવા સેરેમની યોજાય છે. સામાન્યપણે આ પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય ભાગમાં યોજાય છે, જ્યારે બજેટની વિગતોને આખરી ઓપ આપવાની અને તેના મુદ્રણની કામગીરી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં શરૂ થાય છે. આ વર્ષે અંદાજપત્ર પેપરલેસ હોવાથી લોક-ઇનની જરૂર ન હોવાથી આ સમારોહમાં વિલંબ થયો હતો.

આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્ર પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.

નાણાં મંત્રાલયના પ્રધાનો સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટા વાસણમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને કોઈ પણ સારું કાર્ય શરૂ કરતાં પહેલાં મીઠાઈ વહેંચવી એ મંગળમય ગણાય છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે આ સમારોહ સામે પ્રશ્નાર્થ લાગી ગયો હતો.

આ પ્રસંગે નાણાપ્રધાને સાંસદો તથા જાહેર જનતા અંદાજપત્રના દસ્તાવેજો વિના અવરોધે મેળવી શકે તે માટે યુનિયન બજેટ મોબાઇલ અૅપ પણ લોન્ચ કરી હતી.

national news nirmala sitharaman