રાવણનું બળતું પૂતળું નીચે પડ્યું એમાં મચેલી નાસભાગે સર્જી કરુણાંતિકા

20 October, 2018 04:51 AM IST  | 

રાવણનું બળતું પૂતળું નીચે પડ્યું એમાં મચેલી નાસભાગે સર્જી કરુણાંતિકા

પંજાબના અમ્રિતસર શહેરમાં ગઈ કાલે દશેરા નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ જોઈ રહેલા લોકોની નાસભાગને કારણે લગભગ ૬૦ જણ દોડતી ટ્રેનની અડફેટે માર્યા ગયા હતા. રેલવેલાઇનની નજીકના મેદાનમાં રાવણદહન દરમ્યાન રાવણનું બળતું પૂતળું અચાનક નીચે પડતાં આગથી બચવા માટે લોકોએ દોડીને દૂર જવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષિત થવા માટે જોડા ફાટકની રેલવેલાઇન ક્રૉસ કરીને સામે પાર પહોંચવાના પ્રયાસમાં સંખ્યાબંધ લોકો પૂરપાટ વેગે દોડતી બે ટ્રેનોની અડફેટમાં આવ્યા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં લગભગ ૬૦ જણ મૃત્યુ પામ્યા હતા અને ૫૦ કરતાં વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સરકારી હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

લગભગ ૩૦૦ કરતાં વધારે લોકો રામલીલાની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાની ઉજવણીના એ કાર્યક્રમને જોઈ રહ્યા હતા. રાવણનું પૂતળું બાળવા માટે ફૂટતા ફટાકડાના અવાજ વચ્ચે ટ્રેન પસાર થવાનો અવાજ કોઈને સંભળાયો નહોતો. જોકે ઘટનાના એક સાક્ષીએ ટ્રેનના ડ્રાઇવરે જોડા ફાટકની પાસેથી પસાર થતાં પહેલાં હૉર્ન વગાડ્યો ન હોવાનું જણાવ્યું હતું.

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે દુર્ઘટનાની તપાસનો આદેશ આપવા ઉપરાંત મૃત્યુ પામેલી દરેક વ્યક્તિના સગાને રાહતરૂપે પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ ચૂકવવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ પણ બે-બે લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. કૅપ્ટન અમરિન્દર સિંહે ઘાયલ લોકોની સારવારમાં કોઈ કમી ન રાખવાનો આદેશ સરકારી હૉસ્પિટલોને મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકો માટે શોક વ્યક્ત કર્યો હતો.

પોલીસ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ સહિત વિવિધ તંત્રોની ટીમોએ રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું છે. શરૂઆતમાં ૫૦ કરતાં ઓછા લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ અમ્રિતસરના પોલીસ-કમિશનર એસ. એસ. શ્રીવાસ્તવે લગભગ ૬૦ જણનાં મૃત્યુનો અંદાજ દર્શાવ્યો હતો. રાવણનું પૂતળું નીચે પડવાના ભયથી લોકો પાછળ ખસવા માંડ્યા હતા અને કેટલાક લોકો દોડતા હતા. લગભગ ૧૦૦ જણ રેલવેલાઇન પર ઊભા હતા ત્યારે એક ટ્રૅક પરથી અમ્રિતસર-હાવડા ટ્રેન અને બીજા ટ્રૅક પરથી જાલંધરથી અમ્રિતસરની લોકલ ટ્રેન સામસામી દિશામાંથી પસાર થઈ હતી.