કોચીમાં ગ્લાઈડર ક્રેશ થતા નેવીના બે અધિકારીઓનું મૃત્યુ

04 October, 2020 01:31 PM IST  |  Kochi | Gujarati Mid-day Online Correspondent

કોચીમાં ગ્લાઈડર ક્રેશ થતા નેવીના બે અધિકારીઓનું મૃત્યુ

આ ક્રેશમાં નેવીના બે અધિકારીઓનું મોત નિપજ્યું છે

કેરળના કોચીમાં નિયમિત ઉડાન દરમિયાન રવિવારે સવારે ગ્લાઈડર ક્રેશ થતા નેવીના બે અધિકારીઓનું મોત નિપજ્યું છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું છે કે, નેવીના ગ્લાઈડરનું નિયમિત પ્રશિક્ષણ થઈ રહ્યું હતું. આ દરમ્યાન તેણે INS ગરુડથી ઉડાણ ભરી હતી. ગ્લાઈડર અંદાજીત સવારે સાત કલાકે નેવીના અડ્ડાની નજીક આવેલા થોપ્પુમપાડી પુલની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

કોચીમાં ગ્લાઈડર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ક્રેશ થવાની દુર્ઘટના ઘટી હતી. આ ક્રેશમાં નેવીના બે અધિકારીઓના મોત થયા છે. મૃતક અધિકારીઓના નામ લેફ્ટનન્ટ રાજીવ ઝા અને પેટ્ટી ઓફિસર સુનીલ કુમાર છે. દુર્ઘટના બાદ લેફ્ટનન્ટ રાજીવ ઝા અને પેટ્ટી ઓફિસર સુનીલ કુમારને આઈએનએચએસ સંજીવનીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પર હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

દુઘટનામાં મૃત્યુ પામનાર લેફ્ટનન્ટ રાજીવ ઝા ઉત્તરાખંડના હતા અને તેમની ઉંમર 39 વર્ષ હતી. જ્યારે પેટ્ટી ઓફિસર સુનીલ કુમારની ઉંમર 29 વર્ષ હતી અને તે બિહારના હતા.

સધર્ન નેવલ કમાન્ડે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

national news kochi kerala