27 July, 2025 11:08 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પંજાબના લુધિયાણા પાસે મોગામાં ભારે વરસાદને કારણે રસ્તો તૂટી પડતાં ફસાયેલા ૩૫ સ્ટુડન્ટ્સ અને ૧૦ અન્ય લોકો માટે સુખવિંદર સિંહ અને ગગનદીપ સિંહ નામના બે યુવાનોએ તેમની પીઠને માનવપુલ બનાવ્યો હતો અને આ લોકોને પૂરમાંથી સલામત બહાર કાઢ્યા હતા. આ વિડિયો વાઇરલ થયો છે. મોગા જિલ્લાના નિહાલ સિંહ વાલા શહેરમાં વરસાદને કારણે મલ્લેયાણા ગામ તરફ જતા મુખ્ય રોડનો એક ભાગ પાણીમાં ધોવાઈ ગયો હતો. જાગરાંવ સ્કૂલમાંથી પરત ફરી રહેલાં ગામનાં લગભગ ૩૦ બાળકો ત્યાં ફસાઈ ગયાં હતાં. ગામને જોડતો એકમાત્ર રસ્તો વચ્ચેથી કપાઈ ગયો હોવાથી પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એ પાર કરવો મુશ્કેલ બની ગયો. આવી સ્થિતિમાં સુખવિંદર સિંહ અને ગગનદીપ સિંહ રસ્તાના કપાયેલા ભાગમાં જોરદાર પાણીના પ્રવાહમાં ઘૂંટણિયે બેસી ગયા હતા અને એક પછી એક બાળકને પોતાની પીઠ પર ચલાવીને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી હતી. બન્ને યુવાનોની ઉંમર ૩૦-૩૫ વર્ષની વચ્ચે છે. લોકોએ માગણી કરી છે કે સરકારે આ યુવાનોનું સન્માન કરવું જોઈએ.